અમદાવાદઃ શિક્ષણનગરી આણંદ ખાતે 125 એકરમાં રૂ. 500 કરોડના ખર્ચે તૈયાર થનારી વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર 4 મહિનામાં આ મહત્ત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન કાર્યાન્વિત થવા જઈ રહ્યું છે.
અમિત શાહે જણાવ્યું કે, આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સીસેવા અને વીમાસેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીથી મળી રહેશે. પીએમ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું છે. આ મંત્રાલયે દેશભરના 16 અગ્રણી સહકારી નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને તેમનાં મંતવ્યો જાણ્યાં હતાં. સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવાં પગલાં અમલમાં મૂકવામાં આવ્યાં છે.
મીઠાઉદ્યોગ પણ સહકારિતા હેઠળ
આણંદસ્થિત અમૂલ ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહેે કચ્છના મીઠાઉદ્યોગને પણ સહકારિતાનો હિસ્સો બનાવ્યો, આ સાથે કચ્છ જિલ્લા મીઠા સહકારી મંડળીની રચનાની જાહેરાત પણ કરી. અમિત શાહે જણાવ્યું, વૈદિકકાળથી સહકારની પરંપરા છે. સાથે જમવાનું, કામ કરવાનું, વિચારવાનું અને સાથે રહેવાની સહકારી પરંપરાને વડાપ્રધાન મોદીએ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરી કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. 8.40 લાખથી વધુ મંડળીમાં 31 કરોડ સભાસદો જોડાયેલા છે. આ મંડળીઓ દૂધ, બેન્કિંગ, સુગર ફેક્ટરી અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે. આ મંત્રાલય દ્વારા 4 વર્ષમાં 60થી વધુ પહેલ કરાઈ છે.

