આ ચોમાસામાં હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્થિતિ વધુ કફોડી બની છે. હિમાચલમાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ભૂસ્ખલનની 16, વાદળ ફાટવાની 19 અને પૂરની 23 ઘટના સામે આવી ચૂકી છે અને મૃત્યુઆંક 80 સુધી પહોંચ્યો છે.
• PM મોદીની દલાઈલામાને શુભેચ્છા પર ચીન નારાજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવી અને સમારોહમાં ભારતીય અધિકારીઓની ઉપસ્થિતિથી ચીન નારાજ થયું છે. ચીને સોમવારે ભારત વિરુદ્ધ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો.
• પૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડનો બંગલો ખાલી કરાવોઃ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ નિવૃત્તિ પછી સરકારી બંગલામાં લાંબો સમય રોકાયેલા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે બંગલો તાકીદે ખાલી કરાવે.
• અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરને ફાયદોઃ અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને રૂ. 400 કરોડનો ફાયદો થઇ રહ્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ કાશ્મીરના પ્રવાસનને આ યાત્રા વરદાનરૂપ સાબિત થઈ છે.
• રિલાયન્સે યુકેસ્થિત ફેસજીમમા રોકાણ કર્યુંઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે.
• ભારતન યુદ્ધજહાજ ઉદયગિરિ મળ્યુંઃ ભારતીય નેવીને પ્રોજેક્ટ 17એનું હોગ બીજું સ્ટીલ્થ ફ્રિગેટ આઇએનએસ ઉદયગિરિ (એફ-35)ના રૂપમાં પ્રાપ્ત થયું, જેનું નિર્માણ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા રેકોર્ડ 37 મહિનામાં કરાયું છે.
• મણિપુરમાં રાહતશિબિર ડિસેમ્બર સુધી બંધઃ મણિપુરના મુખ્ય સચિવ પીકે સિંહે શુક્રવારે કહ્યું કે રાજ્ય સરકાર ડિસેમ્બર સુધીમાં તમામ રાહત શિબિરો બંધ કરવાની યોજના પર કામ કરી રહી છે. આંતરિક રીતે વિસ્થાપિત લોકોના પુનર્વસનની પ્રક્રિયા ત્રણ તબક્કામાં કરાશે.
• મહારાષ્ટ્રમાં ‘જય ગુજરાત’ નારા પર વિવાદઃ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પુણેના કાર્યક્રમમાં ‘જય ગુજરાત’ નારા સાથે ભાષણ પૂર્ણ કર્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ હાજર હતા. શિંદેના આ નારા પર વિપક્ષે તેમને મહારાષ્ટ્રના ગૌરવને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
• પાકિસ્તાન હોકી ટીમને ભારતમાં રમતાં નહીં રોકાયઃ ભારતે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. જો કે ભારત સરકારે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન હોકી ટીમને અહીં એશિયા કપ અને જુનિયર વર્લ્ડકપમાં રમતાં રોકાશે નહીં.

