રાજપીપળાઃ લોખંડી પુરુષ, દેશના પ્રથમ ગૃહમંત્રી, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા કરમસદથી નીકળેલી ‘સરદાર@150’ રાષ્ટ્રીય એકતયાત્રા 11 દિવસ બાદ એકતાનગર ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પરિસરમાં પૂર્ણ થઈ હતી.
એકતા પદયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આ પદયાત્રાને ભારતના અમર આત્માના ઉત્સવ તરીકે ગણાવી હતી. એકતા પદયાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની છે, જેમાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્રનિર્માણની ભાવનાનો સમન્વય જોવા મળ્યો હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, સરદાર પટેલ આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રીય નાયક હતા, જેમણે કુશળ નેતૃત્વ પૂરું પાડીને 560થી વધુ રજવાડાંને એકીકૃત કર્યાં. એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે.
દેશભરમાં 1300થી વધુ પદયાત્રામાં 14 લાખથી વધુ યુવાનોની ભાગીદારી એ સિદ્ધ કરે છે કે, સરદાર પટેલે પ્રગટાવેલી એકતાની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે એમ ગૌરવ સાથે જણાવતાં સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે, સરદારસાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા તથા એક ભારત - શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, બારડોલી સત્યાગ્રહે સરદાર સાહેબને દેશભરમાં મજબૂત અને કદાવર જનનેતાના રૂપમાં પ્રસ્થાપિત કર્યા હતા. અંગ્રેજોના અત્યાચારી કર વધારા સામે વલ્લભભાઈ પટેલે આગળ આવીને નેતૃત્વ લીધું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીનું વર્ષ સમગ્ર દેશમાં રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતું એક ઐતિહાસિક વર્ષ બની રહ્યું છે. આ વર્ષ રાષ્ટ્રગાન વંદે માતરમ, ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી તથા સરદાર સાહેબના વિચારધારાના વૈશ્વિક પ્રચાર-પ્રસારનું પ્રેરણાસ્રોત બની રહ્યું છે. ભારત એક સક્ષમ રાષ્ટ્ર તરીકે ઊભું છે તે સરદાર પટેલની રાજનીતિ, હિંમત અને મજબૂત ઇચ્છાશક્તિનું પરિણામ છે.

