સુરતઃ સમયની સાથે સંજોગો ભલે બદલાઈ જાય છે, પરંતુ પોતાના બાળપણના શિક્ષણધામ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. આ અંગેનું ઉત્તમ ઉદાહરણ છે અમેરિકા ખાતે વસતા 89 વર્ષીય વસંતભાઈ ઉત્તમભાઈ પટેલ. જેમણે સ્કૂલ છોડ્યાનાં 71 વર્ષ બાદ કામરેજ ખાતે દાદા ભગવાન મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં પોતાની સ્કૂલનું નામ સાંભળ્યું અને ત્યારથી જ શાળાનું નવઉત્થાન કરવાનું નક્કી કરી લીધું.
એક અખબારના અહેવાલ અનુસાર નાનપુરા ટીમલીયાવાડમાં એક નાનકડી ઓરડીથી જીવન ભારતી સ્કૂલની શરૂઆત થઈ. જેણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, દેશભરને મહાન વ્યક્તિઓ અર્પિત કરી છે. 89 વર્ષીય પૂર્વ વિદ્યાર્થી વસંતભાઈ અમેરિકા ખાતે હોટેલના માલિક છે. તેમણે વર્ષ 1946માં એટલે સ્કૂલ શરૂ થતાંની સાથે જ ધો. 4માં પ્રવેશ લઈ વર્ષ 1954 સુધી અહીં અભ્યાસ કર્યો હતો.
સ્કૂલ છોડ્યાને 71 વર્ષ બાદ કામરેજમાં દાદાભગવાનના એક કાર્યક્રમમાં વસંતભાઈએ પોતાની સ્કૂલનું નામ સાંભળ્યું હતું. જે સાંભળીને તેમને સ્કૂલના દિવસો યાદ આવી ગયા અને લાગણીના તરંગો તેમને ફરી સ્કૂલ સુધી દોરી ગયા હતા. કેસરબહેન પૂનમચંદ્ર ગાંધી એટલે કિશોર ભવનની બિલ્ડિંગની જર્જરિત હાલત જોતાં જ તેમનું મન દ્રવી ઊઠ્યું હતું. આ સમયે તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના જ કહ્યું કે, ‘હું આ ભવનને સુધારી આપીશ.’ અમેરિકાના હોટેલિયર વસંતભાઈએ રૂ. 1 કરોડના ખર્ચે કિશોર ભવનની બે માળની બિલ્ડિંગ બનાવી તેની કાયાપલટ જ કરી નાખી. આજે અહીં આધુનિક કોમ્પ્યુટર રૂમ, સાયન્સ લેબ અને સંમેલન ખંડ તૈયાર છે. વસંતભાઈએ ભૌતિક સંપત્તિને જ્ઞાનના રોકાણમાં પરિવર્તિત કરીને ખરા અર્થમાં ‘વિદ્યાનું ઋણ’ અદા કર્યું છે. તેમનું આ કાર્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

