નવી દિલ્હીઃ સોમવારે લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ પર ચર્ચા થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન સાધતાં કહ્યું કે, નહેરુએ ઝીણાની સાંપ્રદાયિક ચિંતાઓને દોહરાવી ‘વંદે માતરમ’ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય ગીતના ટુકડા કર્યા, જેના કારણે દેશ તુષ્ટિકરણની રાજનીતિ તરફ ધકેલાયો અને અંતે દેશના ભાગલા પડ્યા. ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પછી ‘વંદે માતરમ’ના ફક્ત પહેલા બે ફકરાને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવાયા હતા.
બીજી તરફ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, આ ગીત 150 વર્ષથી રાષ્ટ્રની આત્માનો ભાગ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ આવી રહી છે, જેના કારણે આજે તેના પર ચર્ચા થઈ રહી છે. મોદી જેટલાં વર્ષ પીએમ રહ્યા છે, તેટલાં વર્ષ નહેરુએ જેલમાં વિતાવ્યાં છે.
અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે, 1875માં બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમે બ્રિટિશ સામ્રાજ્યને પડકાર ફેંક્યો હતો. જો કે, છેલ્લી સદીમાં તેની સાથે ગંભીર અન્યાય થયો. મહાત્મા ગાંધીએ 1905માં લખ્યું હતું કે, ‘વંદે માતરમ’ એટલું લોકપ્રિય થઈ ગયું છે કે તે રાષ્ટ્રગીત જેવું બની ગયું છે. જ્યારે ‘વંદે માતરમ’એ 100 વર્ષ પૂર્ણ કર્યાં, ત્યારે ઇમર્જન્સીમાં બંધારણનું ગળું દબાવી દેવાયું. વંદે માતરમ માત્ર ગીત નથી, પરંતુ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે એક પ્રેરણા છે, જેની સાથે ચેડાં થયાં છે.

