ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટઃ 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું

Wednesday 10th December 2025 05:53 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ થઇ રહ્યો છે તેવો સરકાર દાવો કરી રહી છે પણ જે રીતે ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે. તે જોતાં ડ્રગ્સમુક્ત ગુજરાત જાણે ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ બની રહ્યુ છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છેકે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું. આ જોતાં પાછલા બારણે ગુજરાતમાં કેટલું ડ્રગ્સ પ્રવેશતું હશે અને કેટલું વેચાતું હશે તેની કલ્પના કરવી રહી.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર નામપુરતી રહી છે. સરકાર ભલે ડ્રગ્સમુક્ત ગુજરાતનો દાવો કરે પણ કડવી હકીકત એછેકે, ગુજરાતમાં જ મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી થઇ રહી છે. ગુજરાતમાં દારૂ કરતાં ય ડ્રગ્સનું દૂષણ વકર્યુ છે. હજારો યુવાઓ ડ્રગ્સના આદી બન્યાં છે, પરિણામે એમડી ડ્રગ્સની ડિમાન્ડ વધી છે. જેના કારણે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સક્રિય થયાં છે. તેમાં રાજકીય આશ્રય મળતાં ડ્રગ્સનું ઠેર ઠેર વેચાણ થઇ રહ્યુ છે. ડ્રગ્સ માફિયાઓને ખાખીનો ડર રહ્યો નથી.
ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15-20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે. આ તો બાતમી આધારે ડ્રગ્સ પકડાય છે. જ્યારે હજારો કિલો ડ્રગ્સ ખાખી અને ખાદીના આર્શિવાદને પગલે પ્રવેશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે.
લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, વર્ષ 2018થી વર્ષ 2022 સુધીમાં કુલ મળીને 91,435 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું.
મોઘવારી,બેરોજગારીને લીધે શિક્ષિત યુવા-મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરની ભૂમિકામાં માત્ર પુરુષો જ નહીં, હવે મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરો બની રહી છે. આ ઉપરાંત શિક્ષિત યુવાઓ પણ બેરોજગારીને લીધે ડ્રગ્સ વેચી ગુનાખોરીના માર્ગે વળ્યાં છે. ડ્રગ્સનું દૂષણ વકરતાં શહેરો અને ગામડાઓમાં ડ્રગ્સ પેડલેરો સક્રિય થયાં છે જેના કારણે ખૂણેખાંચરે ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. હપ્તાને લીધે ડ્રગ્સ પેડલરો પણ ડર રહ્યો નથી. આ જોતાં હજારો યુવા ડ્રગ્સના બંધાણી બની ચૂક્યાં છે.


comments powered by Disqus