પણજીઃ ગોવામાં આવેલા આરપોરામાં બર્ચ બાય રોમિયો લેન ક્લબમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોનાં દર્દનાક મોત થયાં હતાં. ઘટના બાદ ક્લબના સંચાલક ગૌરવ અને સૌરભ લુથરા ફુકેટ ફરાર થઈ ગયા હતા, જ્યારે એક આરોપી અજય ગુપ્તાની ધરપકડ કરાઈ છે.
25 મૃતકો પૈકી 14 આ જ નાઇટ ક્લબમાં કામ કરતા હતા. જ્યારે 4 મૃતકો પર્યટક હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં 3 મહિલાઓ અને 20 પુરુષોનો સમાવેશ થાય છે, શનિવારે રાત્રે 12.04 વાગ્યે નાઇટ ક્લબમાં દુર્ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી, જે જોતજોતામાં આખી ક્લબમાં ફેલાઈ ગઈ હતી. પોલીસની તપાસમાં આગમાં 3 લોકો જીવતા ભડથું થયા હતા, જ્યારે અન્ય લોકોનાં ગૂંગળાઈને મોત થયાં હતાં.
તપાસના આદેશ
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી રાહત અને બચાવ કામગીરી માટે આદેશો આપ્યા હતા. એવું જાણવા મળે છે કે ક્લબની સુરક્ષામાં ખામી હોવા છતાં તેનું સંચાલન કરાતું હતું.
સુરક્ષાના નિયમોનો ભંગ
આ નાઇટ ક્લબ ગેરકાયદે બનાવાઈ હતી. ક્લબનું લાઇસન્સ ન હોવા ઉપરાંત સુરક્ષાના નિયમોનો પણ ભંગ કરાયો હતો. આ અંગે ફોડ પડતાં સ્થાનિક તંત્ર દ્વારા તમામ ગેરકાયદે ક્લબને તોડી પાડવા માટે આદેશ અપાયો છે.

