ચારુતર આરોગ્ય મંડળ ખાતે જયા રિહેબિલિટેશન સેન્ટર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ

Wednesday 10th December 2025 06:29 EST
 
 

ચાંગાઃ ચારુતર આરોગ્ય મંડળ, ભાઇકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે જયા રિહેબિલિટેશન સેન્ટર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે 28 નવેમ્બરે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત જયા ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક અરવિનભાઈ શાહ (યુએસએ) અને તેમનાં ધર્મપત્ની જયા શાહના વરદ્હસ્તે કરાયું હતું. આ સેન્ટર માટે 6058 ચો.મીટર વિસ્તારમા 4 માળની ઇમારત બનશે, જેમાં ફિઝિકલ રિહેબિલિટેશન, ન્યૂરોપ્રોસ્થેટિક્સ, ઓક્યુપેશન થેરાપી, મોબિલિટી થેરાપી, કાઇનેટિક મૂવમેન્ટ સંબંધિત સારવાર પૂરી પડાશે.
આ અત્યાધુનિક સેન્ટરમાં ફિઝિયો, ઓક્યુપેશનલ, સ્પીચ, ઓર્થોટિક અને પ્રોસ્થેટિક ઉપકરણો વગેરે સહિત પુનઃ વસનની વિસ્તૃત સંભાળ પૂરી પડાશે. આ સેન્ટરની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સ્ટ્રોક, કરોડરજ્જુની ઇજા, મગજનો લકવો, હાઇપર એક્ટિવ ડિસઓર્ડર વગેરેના દર્દીઓની વિકલાંગતા ઘટાડવા સારવાર પૂરી પાડવાનો છે. આ વ્યવસ્થાનો અંદાજિત ખર્ચ રૂ. 35 કરોડ છે, જેના માટે અરવિનભાઈ શાહ દ્વારા સહયોગ અપાયો છે.
આ કાર્યક્રમમાં ચારુતર આરોગ્ય મંડળના સેક્રેટરી અમિત પટેલ, બોર્ડના સભ્ય જાગૃતભાઈ ભટ્ટ, બોર્ડ મેમ્બર્સ, ભાઈકાકા યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ ડો. ગૌરી ત્રિવેદી, પ્રોવોસ્ટ ડો. અભય ધરમસી, રજિસ્ટ્રાર ડો. જ્યોતિ તિવારી સહિત વિદ્યાર્થીઓ અને આમંત્રિતો હાજર રહ્યા હતા.


comments powered by Disqus