જંબુસરઃ જંબુસર તાલુકાના આસરસા ગામે દરિયામાં ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ હેઠળ રિસર્ચનું કામ કરતા શ્રમિકોની બોટ પલટી ગઈ હતી, જેમાં બોટમાલિકનું મોત થયું હતું અને બોટનો ચાલક લાપતા બન્યો હતો. જંબુસર તાલુકાના આસરસા ગામે શનિવારે ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ હેઠળ રિસર્ચનું કામ કરતી એશિયન એનર્જી સર્વિસ પ્રા લિ. કંપનીના શ્રમિકો બોટમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન દરિયાની ભરતીમાં હાલકડોલક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બોટમાલિક રોહિત ગણપત મકવાણાનું મોત નીપજયુ હતુ, જ્યારે 5 શ્રમિકો ઇજાગ્રસ્ત થતાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જે પૈકી બેને વધુ સારવારઅર્થે વડોદરા રિફર કરાયા હતા.
