જામનગરઃ શુક્રવારે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું. જો કે બાદમાં આપના કાર્યકરોએ જૂતું ફેંકનારા શખ્સને પકડી લઈને માર માર્યો હતો. પોલીસે આ શખ્સને ઝડપી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડી કાર્યવાહી હાથ પરી હતી. આ દરમિયાન સભામાં ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત હતા.
જામનગરમાં શુક્રવારે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરાયું હતું. બાઇક રેલી મહાપ્રભુજીની બેઠકથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ નાકા, દરબારગઢ, ચાંદી બજાર, દીપક ટોકીઝ અને બેડી ગેટ થઈને ટાઉનહોલ પહોંચી હતી, જ્યાં જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા, આ દરમિયાન તેના પર જૂતું ફેંકાયું હતું. પોલીસની પૂછપરછમાં જૂતું ફેંકનારાનું નામ કોંગ્રેસ કાર્યકર છત્રપાલસિંહ જાડેજા હોવાનું જણાયું હતું.
તપાસ દરમિયાન છત્રપાલસિંહે કહ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા દ્વારા તેમનાજ જ્ઞાતિજન અને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું, જેનો મેં બદલો લીધો છે.

