નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. આ અંગે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અમેરિકાના અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ બંને દેશો વચ્ચે પ્રથમ તબક્કાની ચર્ચા માટે ભારત આવે તે માટે તારીખ નક્કી થઈ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકાનો જંગી ટેરિફ લાદ્યા બાદ અમેરિકાના પ્રતિનિધિ મંડળની ભારતની આ બીજી મુલાકાત હશે. આ અગાઉ 16 સપ્ટેમ્બરે અમેરિકના પ્રતિનિધિ મંડળે ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ 22 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયેલના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકા ગયું હતું. ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે બંને દેશો વચ્ચેના ટ્રેડ ડીલની ચર્ચામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં ચર્ચાના 6 રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે. આ સાથે આશા સેવાઈ રહી છે કે બંને દેશો વચ્ચેનો વેપાર પૂર્વવત્ બને.

