અમદાવાદઃ ઘણા લાંબા વખત બાદ ગુજરાતમાં વાઘે દેખા દીધી છે. છેલ્લા કેટલાય વખતથી દાહોદ જિલ્લામાં વાઘ જાણે સ્થાયી થયો છે. ગુજરાત વાઘનું કાયમી સ્થળ બની રહે તે માટે રાજ્ય વનવિભાગ એક્ટિવ થયું છે. મધ્યપ્રદેશ વન વિભાગની ટીમ ગુજરાત આવી રહી છે, જે ગુજરાતમાં સ્થાયી થયેલા વાઘની દેખરેખ પણ કરશે. કુદરતી જૈવવિવિધતાં જાણીતા આ દાહોદના રતનમહાલના જંગલ વિસ્તારમાં વાઘ દેખાયો છે. આ જંગલમાં ઘણા વખતથી વાઘ સ્થાયી થયો છે, ત્યારે કેમેરામાં દૃશ્યો કંડારાતાં તેના પુરાવા વનવિભાગને મળ્યા છે. આવા તબક્કે હવે ગુજરાતમાં વાઘના સંવર્ધનને લઈને પ્રયાસો શરૂ થયાં છે. જેના ભાગરૂપે વાઘ માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથિરિટીનું માર્ગદર્શન મેળવ્યું છે કે, ગુજરાતમાં વાઘના રહેઠાણ માટે શું વ્યવસ્થા કરી શકાય. હાલમાં વનવિભાગ દ્વારા વાઘની હિલચાલ પર નજર રખાઈ રહી છે.

