ભુજઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ-2025નો ધોરડોના સફેદ રણથી પ્રારંભ કરાવતાં જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરિટ ટૂરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનું વડાપ્રધાનનું સપનું સાકાર થયું છે. રણોત્સવ હવે ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ રણોત્સવની શરૂઆત કરાવતાં કહ્યું હતું કે, એક દિવસ દુનિયાભરથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. આ વાત આજે સાચી થઈ છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને બેસ્ટ ટૂરિઝમ વિલેજ એવોર્ડથી નવાજ્યું છે. કચ્છી ભુંગા અને કચ્છની ભાતિગળ લોકસંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનનો ‘વિરાસત ભી, વિકાસ ભી’ અભિગમ સાકાર થયો છે.
રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલા કારીગરી ચીજવસ્તુઓને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ મળ્યો છે. સફેદ રણ સુધી પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલવે અને એર કનેક્ટિવિટી વડાપ્રધાનના વિઝનથી મળી છે.

