રાજકોટઃ એકાદ વર્ષ પહેલાં યોજાયેલી ઇફ્કોની ચૂંટણી બાદ લેઉવા પાટીદાર આગેવાન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડવોર શરૂ થયું હતું. લાંબા સમય બાદ રવિવારે 7 ડિસેમ્બરે ખોડલધામ કાગવડ ખાતે મંત્રીઓના સન્માન કાર્યક્રમ વખતે બંને એક મંચ પર આવ્યા હતા. બંનેએ સાથે વાતો પણ કરી હતી અને ગળે પણ મળ્યા હતા.
જાહેરમાં સાથે આવ્યા બાદ જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ ખોડલધામ અમારું આંગણું છે અને કાયમ રહેશે. જયેશ રાદડિયા તો આવે ને જાય પણ ખોડલધામ તો રહેશે જ. નરેશ પટેલે આ મામલે કોઈ વાતચીત કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંને આગેવાનો વચ્ચે એક વર્ષથી કોલ્ડવોર ચાલતું હતું. જયેશ રાદડિયાએ અનેક વખત નામ લીધા વગર નિશાન સાધ્યાં હતાં. તેમણે સામાજિક અને ધાર્મિક કાર્યો કરનારા રાજકારણ કરે તે અયોગ્ય ગણાવીને ખૂલીને સામે આવવા પડકાર પણ ફેંક્યો હતો.

