રાજકોટઃ રાજકોટ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લઈ રાજ્યમાં ગુનેગારોને તમામ સવલતો અને ખેડૂતોને જેલમાં ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી ભાજપ સરકારને ઘમંડ આવી ગયો હોવાનો આરોપ કર્યો હતો.
હડદડમાં પોલીસ સાથે થયેલી માથાકૂટ અને તે મામલે ગુનો નોંધાયા બાદ 88 ખેડૂતને જેલમાં ધકેલાયા હતા. જેમાં 46 જામીન મુક્ત થયા છે અને બાકીના 42 હજુ જેલમાં છે. હડદડ મામલે જેલમાં ગયેલા ખેડૂત પરિવારના સભ્યોનો રાજકોટના એન્જિનિયરિંગ એસોસિયેશન હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. સન્માન કર્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે, જેલમાં રહેલા અન્ય ખેડૂતોને છોડાવવા માટે વકીલોની ફોજ તૈયાર કરાઈ છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે તેને અટકાવાતો નથી, પરંતુ પોતાના માટે ન્યાય માગી રહેલા ખેડૂતો પર પોલીસ લાઠીચાર્જ કરે છે. ટિયરગેસ છોડે છે, સરકાર એફઆઇઆરથી રાજ્યના લોકોને ડરાવી રહી છે.
હડદડ મામલે રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા આપના આગેવાન રાજુ કરપડા સહિતનાને જેલમાં મળવા કેજરીવાલ પહોંચ્યા હતા. જો કે જેલ તંત્ર દ્વારા તેમને મળવાની પરવાનગી અપાઈ નહોતી.

