નવી દિલ્હીઃ રશિયા સાથેના દ્વિપક્ષીય વેપારને 5 વર્ષમાં 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનો રોડમેપ બનાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે હવે તેની રાજદ્વારી શક્તિ અમેરિકા અને યૂરોપિયન યુનિયન (ઈયુ) તરફ વાળવાનું શરૂ કર્યું છે. ડિસેમ્બર -જાન્યુઆરીમાં પશ્ચિમી દેશોના નેતાઓ ભારત આવી રહ્યા છે. જે માટે ટાસ્કફોર્સ બનાવાઈ છે, જે લોજિસ્ટિક્સ અને દ્વિપક્ષીય એજન્ડાની બાબતો સંભાળશે. આ બેઠકથી ઘણા નવા કરારો નીકળશે, જે અર્થતંત્રને ગતિ આપશે. વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે અમેરિકા સાથે સંતુલન માટે પ્રતિબદ્ધ છીએ. અમેરિકી નાયબ વેપાર પ્રતિનિધિ રિકસ્વિટ્ઝરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ 10-12 ડિસેમ્બરે ભારત આવી રહ્યું છે.
