નવી દિલ્હીઃ ભારતના ડિજિટલ ભવિષ્યમાં એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે, કારણ કે ટેકક્ષેત્રની વૈશ્વિક મહાશક્તિ માઇક્રોસોફ્ટે ભારત માટે અત્યાર સુધીનો સૌથી મોટો નાણાકીય રોકાણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. કંપનીના CEO સત્ય નડેલાએ જાહેરાત કરી છે કે, માઇક્રોસોફ્ટ ભારતના AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા રૂ. 1.5 લાખ કરોડ (17.5 બિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ જાહેરાત તેમણે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી તેમની બેઠક બાદ કરી.
સત્ય નડેલાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, ભારતે AIના ક્ષેત્રમાં અસીમ શક્યતા ઊભી કરી છે અને માઇક્રોસોફ્ટ ભારતમાં AI આધારિત ભવિષ્યને વેગ આપવા પ્રતિબદ્ધ છે. તેમણે લખ્યું, ભારતના AI અવસરો પર પ્રેરણાદાયક ચર્ચા માટે PM મોદીનો આભાર. માઇક્રોસોફ્ટ 17.5 બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે, જે એશિયામાં અત્યાર સુધીનું અમારી કંપનીનું સૌથી મોટું
રોકાણ છે.
આ રોકાણ ભારતના AI ફર્સ્ટ અભિગમને વધુ મજબૂત બનાવશે અને ટેક્નોલોજી ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન સ્થાપિત કરશે. નડેલાએ સ્પષ્ટ કર્યું કે, આ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં મજબૂત AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવો, સ્થાનિક ટેલેન્ટને AI આધારિત કુશળતાથી સજ્જ કરવું અને ટેક ક્ષેત્રમાં ભારતની સ્વાયત્ત શક્તિ વધારવાની છે. આ નાણાકીય પગલું ભારતને આગામી દાયકામાં AI સુપર પાવર બનાવવા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.

