ગાંધીનગરઃ ગુજરાતે વિકાસનાં નવાં શિખરો સર કરતાં ફરી એકવાર સાબિત કર્યું છે કે, તે દેશનું સાચું ગ્રોથ એન્જિન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે આર્થિક ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. રાજ્યની માથાદીઠ આવક પહેલીવાર રૂ. 3 લાખને પાર પહોંચી છે અને ગુજરાત આજે ભારતના સૌથી મજબૂત અને ઝડપથી વિકસતાં મુખ્ય અર્થતંત્રો પૈકી એક છે.
8.42 ટકાના વૃદ્ધિદર સાથે ગુજરાત મોખરે
તાજેતરના આંકડા મુજબ ગુજરાતે છેલ્લા દાયકામાં સતત અને અસરકારક વૃદ્ધિ દર્શાવી છે. 2012-’13થી 2023-’24 સુધીના સમયગાળા દરમિયાન રાજ્યએ 8.42 ટકાનો વાસ્તવિક સરેરાશ વૃદ્ધિદર જાળવી રાખ્યો છે, જે દેશનાં મોટા અને રૂ. 10 લાખ કરોડથી વધુની અર્થવ્યવસ્થા ધરાવતાં રાજ્યોમાં સર્વોચ્ચ છે.
ટોચનાં 5 મોટાં અર્થતંત્રમાં ગુજરાત
વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ ઘરેલુ ઉત્પાદન (GSDP) રૂ. 24.62 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે એક દાયકામાં લગભગ ચાર ગણો વધારો દર્શાવે છે. આ સિદ્ધિ સાથે ગુજરાતે મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક પછી ભારતનાં ટોચનાં 5 સૌથી મોટાં અર્થતંત્રોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.
વિવિધ ક્ષેત્રે મજબૂત યોગદાન
ગુજરાતની ઝડપભરી આર્થિક વૃદ્ધિ પાછળ રાજ્યનાં વિવિધ ક્ષેત્રોની મજબૂત કામગીરી મુખ્ય છે. જેમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રૂ. 7.43 લાખ કરોડ; વેપાર, પરિવહન, નાણાકીય સેવાઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે રૂ. 7.81 લાખ કરોડ; કન્સ્ટ્રક્શન અને યુટિલિટી ક્ષેત્રે રૂ. 2.31 લાખ કરોડ; કૃષિ, વન અને માછીમારી ક્ષેત્રે રૂ. 3.69 લાખ કરોડ સમાવેશી વિકાસનો મુખ્ય સ્તંભ ગણાય છે.
માથાદીઠ આવક રૂ. 3 લાખને પાર
ગુજરાતની માથાદીઠ આવક રૂ. 3,00,957 મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યો કરતાં વધુ છે. ઊંચી શ્રમ ઉત્પાદકતા, ઉદ્યોગોનું સતત વિસ્તરણ અને મજબૂત નીતિગત માળખું આ સિદ્ધિના મુખ્ય આધારસ્તંભ છે. માથાદીઠ આવકના આ રેકોર્ડ સાથે ગુજરાત હવે માત્ર આર્થિક કદમાં જ નહીં, પરંતુ વિકાસની ગુણવત્તામાં પણ આગવું સ્થાન ધરાવે છે.

