અમદાવાદઃ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવનકવન આધારિત ‘ચુનૌતીયાં મુઝે પસંદ હૈ’ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું રવિવારે અમદાવાદમાં પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિમોચન થયું હતું.
આ પ્રસંગે આનંદીબહેન પટેલ, તેમનાં પુત્રી અનાર પટેલ તથા પુત્ર સંજય પટેલ, કડી સર્વવિદ્યાલયના મનુભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે આનંદીબહેનના પુસ્તક અંગે કહ્યું કે, ‘આખી યાત્રા માટે એક વાક્યમાં કહેવું હોય તો લીડરશિપ પોઝિશન માટે નથી હોતી, પરંતુ પરપઝ માટે એટલે કે ઉદ્દેશ માટે હોય છે. એ આખા પુસ્તકનો સાર છે. આ પુસ્તકમાં મધ્યમવર્ગમાં જન્મેલી દીકરીને ભણવા માટેના સંઘર્ષથી લઈ ગુજરાતના મુખ્યમંત્રી, સંસદસભ્ય અને ત્રણ રાજ્યોમાં ગવર્નર સુધીની યાત્રા દર્શાવાઈ છે.

