નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની સ્લેબ વ્યવસ્થામાં મોટું પરિવર્તન કરાયું છે. GST કાઉન્સિલની 52મી બેઠકમાં હવે દેશમાં GSTના માત્ર બે સ્લેબ રાખવા મંજૂરી અપાઈ છે. હવે GSTમાં માત્ર 5 ટકા અને 18 ટકા એમ બે સ્લેબ જ રહેશે. એટલે કે સરકારે 12 ટકા અને 28 ટકાના સ્લેબને હટાવી દીધો છે. બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને આ અંગે સ્પષ્ટતા આપી હતી. આ નિર્ણયથી ગ્રાહકોને ફાયદો થશે અને ઘણો સામાન સસ્તો થશે. જો કે, વૈભવ, હાનિકારક વસ્તુઓ માટે એક અલગ ટેક્સ સ્લેબને મંજૂરી અપાઈ છે, જે 40 ટકા રહેશે. નાણાપ્રધાને કહ્યું હતું કે, અમારું ફોકસ દેશના સામાન્ય માનવી પર છે. ખેડૂતોથી માંડીને શ્રમિકો સુધીને ધ્યાનમાં રાખીને સ્લેબને ઘટાડવાની મંજૂરી અપાઈ છે. બેઠકમાં સામેલ તમામ રાજ્યોના નાણા પ્રધાનોએ આ નિર્ણયને સમર્થન આપી તેને મંજૂરી આપવા માટે પોતાની સહમતી દર્શાવી હતી.