એનડીએ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ

Wednesday 10th September 2025 05:44 EDT
 
 

નવી દિલ્હીઃ જગદીપ ધનખડ દ્વારા 21 જુલાઈએ રાજીનામું આપી દેવાતાં છેલ્લા થોડા સમયથી ખાલી પડેલી ઉપરાષ્ટ્રપતિની પદવી માટે 9 સપ્ટેમ્બરે મતદાન થયું. આ મતદાનમાં સી.પી. રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. ઉલ્લેખનીય છે કે કુલ 767 મત પૈકી એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે INDIAના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 300 પ્રથમ પસંદગીના મત મળ્યા. આમ રાધાકૃષ્ણન 152 મતના માર્જિનથી જીત્યા.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે, ઇન્ડિયાના 315 સાંસદોએ મતદાન કર્યું હતું, જેના કારણે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને 15 મત ઓછા મળ્યા. બીઆરએસ અને બીજેડીએ ચૂંટણીમાં ભાગ લીધો નહોતો, જ્યારે રાજ્યસભામાં બીઆરએસના 4 અને બીજેડીના 7 સાંસદ છે. લોકસભામાં માત્ર એક જ સાંસદ ધરાવતા શિરોમણિ અકાલીદળે પણ પંજાબમાં પૂરના કારણે મતદાન કરવાનો ઇનકાર કર્યો હતો.
કોણ છે સી.પી. રાધાકૃષ્ણન?
20 ઓક્ટોબર 1957એ તામિલનાડુના તિરુપુરમાં જન્મેલા રાધાકૃષ્ણને બીબીએ સુધી અભ્યાસ કર્યો છે. પ્રારંભિક રાજકીય જીવનમાં તેઓ આરએસએસના સ્વયંસેવક રહ્યા હતા. 31 જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ બનેલા રાધાકૃષ્ણન 1996માં ભાજપ તામિલનાડુ સચિવ, 1998થી 1999 સુધી કોઇમ્બતુર સાંસદ, 2004થી તામિલનાડુના ભાજપ પ્રમુખ, 2016થી 2020 સુધી કોચર બોર્ડ અધ્યક્ષ, 2020થી 2022 સુધી ભાજપના કેરલ પ્રભારી અને 2023માં ઝારખંડના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ તેલંગાણાના રાજ્યપાલ અને પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર રહી ચૂક્યા છે


comments powered by Disqus