અમદાવાદઃ છેલ્લા અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં બારેમેઘ ખાંગા જેવા હાલ સર્જાયા. ગુજરાતના તમામ ઝોનમાં વરસાદે માઝા મૂકતાં લોકોને હાલાકી પડી હતી.
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ રવિવારે સવારથી ફરી મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાવનગરના વલ્લભીપુરના નસીતપુર પાસે કોઝવે પરથી વહેતા ધસમસતા પાણીમાં કાર તણાતાં કારમાં સવાર લોકોનું જેસીબીની મદદથી દોરડું બાંધી રેસ્ક્યૂ કરાયું હતું. હળવદમાં એક તણાતા યુવકને પણ સ્થાનિકોએ બચાવ્યો હતો. સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સરેરાશ 91 ટકા જ્યા વરસાદ વરસી ચૂક્યો છે.
કચ્છ
કચ્છમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. રાપરમાં શુક્રવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ખડીર દ્વીપ સમૂહમાં ભારે વરસાદના પગલે લોકોને પાણીના વહેણથી દૂર રહેવા સૂચના અપાઈ હતી. રાપરમાં રવિવારથી શરૂ થયેલા વરસાદથી બે દિવસમાં જ 16 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. આ સિવાય કચ્છના અન્ય તાલુકામાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સૂરજબારી પાસે કાર તણાઈ હતી. જો કે, ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો હતો.
ઉત્તર ગુજરાત
મહેસાણા જિલ્લાના સાંતલપુરના વૌવા, બકુત્રા, દાત્રાણા અને રણમલપુરા ગામનાં તળાવ ઓવરફ્લો થતાં ગામમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયાં. સોમવારે સાંતલપુર SDRFની ટીમ દ્વારા વહેલી સવારથી 40 લોકોનું રેસ્ક્યૂ કરાયું. સોમવારે ભાભર-સુઈગામ હાઇવે પર વરસાદી પાણી ભરાતાં 10 કલાકથી વધુ સમય સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહ્યો. આ ઉપરાંત ગ્રામીણ માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં સૂઈગામ તાલુકા સહિત 13 ગામ સંપૂર્ણપણે સંપર્કવિહોણાં બન્યાં હતાં. અમીરગઢ પાસે બનાસ નદીમાં 16 કલાકથી ફસાયેલા યુવકનું એસડીઆરએફે રેસ્ક્યૂ કર્યું હતું.
મધ્ય ગુજરાત
ખેડાનું રસિકપુરા ગામમાં સાબરમતી નદીના પૂરથી જીવલેણ સ્થિતિ સર્જાઈ હતી. ગામના ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકો ઘર છોડી સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા હતા. પૂરના કારણે સાબરમતી નદીના કાંઠે વસેલા રસિકપુરા ગામમાં ભારે તારાજીની સાથે ખેતરો, રહેણાક મકાનો અને માર્ગો પર પાણી ભરાયાં હતાં. મધ્ય ગુજરાતમાં કરજણ નદીમાં પૂરથી ખેતરો અને જમીનનું ધોવાણ થયું. અનેક ખેતરોમાં ઊભો પાક પૂરનાં પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે.
દક્ષિણ ગુજરાત
ઉપરવાસમાં ભારે વરસાદથી માંગરોળ તાલુકાથી પસાર થતી કીમ નદીનો પીંગોટ ડેમ ગુરુવારે રાત્રે ઓવરફ્લો થયો હતો, જેનાથી વેલાછા, ઉમરાચિ અને કોસાડી સહિતના ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. નર્મદા ડેમથી ગુરુવારે રાત્રે 23 દરવાજા ખોલી 4.45 લાખ ક્યુસેક પાણી છોડાતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 28 ફૂટની સપાટીએ વહ્યાં હતાં.