વાવઃ ડીસા તાલુકાના મહાદેવિયા ગામથી બનાસકાંઠા એલસીબીએ નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂ. 40 લાખથી વધુની નકલી નોટો તેમજ એને બનાવવા માટેનાં સાધનો જપ્ત કર્યાં છે.
મુખ્ય આરોપી ફરાર
બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેએ કહ્યું હતું કે, આ કેસમાં મુખ્ય સૂત્રધાર સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના બે આરોપીની ધરપકડ કરાઈ છે. જો કે જેનું ઘર હતું તે મુખ્ય આરોપી રાયમલસિંહ ફરાર છે. પોલીસના જણાવ્યા મુજબ રાયમલસિંહ અને સંજય સોની બંનેનો ગુનાઇત ઇતિહાસ છે. રાયમલસિંહ પર ખંડણી અને છેતરપિંડી સહિતના 16 ગુના દાખલ છે અને તે તાજેતરમાં જ પાસામાંથી છૂટ્યો હતો.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.