પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટતાં બે ઓપરેટર અને ગાર્ડ સહિત 6નાં મોત

Wednesday 10th September 2025 05:44 EDT
 
 

વડોદરાઃ રાજ્યમાં શનિવારે ગણેશ વિસર્જનની ઉજવણી દરમિયાન પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે કરુણ ઘટના બની. પાવાગઢ મંદિર સુધી માલ-સામાન લઈ જવા બનાવેલો રોપ-વે તૂટી પડતાં 2 ઓપરેટર, મંદિરના સિક્યોરિટી ગાર્ડ અને અન્નક્ષેત્રમાં સેવા આપતાં યુવક સહિત 6 લોકોનાં મોત થયાં હતાં.
પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનાં દર્શન કરવા રોજ હજારો-લાખોની શ્રદ્ધાળુઓ આવે છે, જેથી શ્રદ્ધાળુઓ માટે રોપ-વેની વ્યવસ્થા કરાઈ છે. આ સિવાય પાવાગઢના ડુંગર પર વિકાસકામોની સાથે અન્નક્ષેત્ર પણ ચાલતું હોવાથી જરૂરી માલ-સામાન લાવવા અલગથી રોપ-વે બનાવાયો છે, જેમાં શનિવારે લગભગ 4:30 વાગ્યાની આસપાસ વરસાદી માહોલ વચ્ચે અન્નક્ષેત્ર માટે શાકભાજી લઈ જવાઈ રહ્યું હતું. આ સમયે રોપ-વે પર 2 ઓપરેટર, મંદિરનો સિક્યોરિટી ગાર્ડ, એક ખાનગી હોટેલનો કર્મચારી, અન્નક્ષેત્રમાં સેવા આપતો યુવક તથા એક શ્રમજીવી મળી કુલ 6 લોકો સવાર હતા.
રોપ-વે ડુંગર સુધી પહોંચવાની તૈયારીમાં હતો, ત્યાં જ રોપ તૂટતાં ટ્રોલી નીચે આવી હતી. અને ટાવર સાથે અથડાતાં ટ્રોલીમાં સવાર 6 વ્યક્તિ નીચે પટકાઈ હતી. ટ્રોલી ધડાકાભેર અથડાતાં રોપ-વેનો ટાવર બેન્ડ થઈ ગયો હતો, જ્યારે નીચેનો ટાવર તૂટી જતાં બંને વચ્ચે ટ્રોલી ફસાઈ ગઈ હતી.


comments powered by Disqus