અમદાવાદઃ અંબાજી ખાતે યોજાયેલો ભારદવી પૂનમનો મેળો હેમખેમ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો છે. જેમાં સાત દિવસ દરમિયાન 40,41,306 ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે. વરસતા વરસાદની વચ્ચે પણ ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. છેલ્લા દિવસે પણ 4 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દ્વારે શિશ ઝુકાવ્યું હતું. ભાદરવી પૂનમના દિવસે બપોરે 12 વાગ્યાથી મંદિરના દ્વાર બંધ કરાયા હતા. સાંજે 5 વાગ્યા સુધી માતાજીનાં દર્શન જાળીમાંથી ખુલ્લા રખાતાં ભાવિકોની ભીડ દર્શન માટે યથાવત્ રહી હતી. બીજી તરફ ઊડનખટોલામાં 58 હજાર યાત્રિકો નોંધાયા હતા. 7 દિવસ દરમિયાન અંબાજીમાં 3072 ધ્વજારોહણ અને 4.70 લાખ ભોજન પ્રસાદ કરાયો હતો. મંદિરમાં ભંડાર અને ગાદીની આવક રૂ. 2.71 કરોડ, સોનાની આવક 233 ગ્રામ અને ચાંદીની આવક 500 ગ્રામ થઈ હતી.
ભાદરવી મેળો વેપારીઓ માટે ટંકશાળ
અંબાજી ભાદરવી મેળો ભક્તિ-શક્તિ સાથે નાના-મોટા વેપારીઓ માટે પણ શુકનિયાળ બની રહ્યો છે. પ્રસાદ, કંકુ, ચૂંદડી, ધજા, રમકડાં, રેડિમેડ‚ માતાજીનો શણગાર, ખાનપાન, ચણિયાચોળીના વેચાણથી વેપારીઓની સારી કમાણી થઈ છે. સાત દિવસમાં અંદાજે રૂ. 50 કરોડનો વેપાર થઈ જાય છે. આનો કોઈ સત્તાવાર આંકડો નથી પણ મુખ્ય માર્ગ પર 300 જેટલા સ્ટોલ હરાજીથી ઊભા કરાયા છે. તેની હરાજીની અપસેટ કિંમત રૂ. 22 હજાર હતી, તેની સામે ઊંચી બોલી 2 લાખથી વધુની બોલાઈ હતી. અત્યારે અંબાજીનું બજાર 24 કલાક ધમધમે છે.
મેળા દરમિયાન 70 ટકા જેટલા વેપારીઓ બહારના અને પરપ્રાંતના જોવા મળે છે. એટલું જ નહીં અંબાજીના કેટલાક વેપારીઓ પણ મેળા દરમિયાન 7 દિવસ માટે પોતાની દુકાન બહારના વેપારીઓને ઊંચા ભાડે આપી દે છે. વહીવટી તંત્રના અંદાજ મુજબ મેળાનો કારોબાર રૂ. 50 કરોડથી વધુનો થાય તેમ છે. આમ ભાદરવી મેળો વેપારીઓ માટે ટંકશાળ પુરવાર થઈ રહ્યો છે.
સૌપ્રથમવાર 400 ડ્રોનથી યોજાયો ભવ્ય લાઇટિંગ શો
શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહાકુંભ 2025ના ચોથા દિવસે ઇતિહાસમાં પહેલીવાર એક ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું. એકસાથે 400 ડ્રોન દ્વારા આકાશમાં અદ્ભુત દૃશ્યો સર્જીને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ 400 ડ્રોન દ્વારા અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મનો અનોખો સમન્વય દર્શાવાયો હતો. આકાશમાં ઊડતાં 400 રંગબેરંગી ડ્રોનથી માતાજીની આકૃતિ, ત્રિશૂળ, ઘંટ અને મંદિર જેવી રચનાઓ પ્રદર્શિત કરાઈ હતી.