અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તાજેતરનો જાપાન પ્રવાસ ધોલેરા માટે ખૂબ શુકનિયાળ સાબિત થયો. વર્ષો અગાઉ સાવ વેરાન ધોલેરાનો વિસ્તાર હવે સેમિકંડક્ટર ચિપના ઉત્પાદનથી ધમધમતો થશે. મોદીએ તાજેતરમાં કરેલા જાપાન પ્રવાસ દરમિયાન ટોકિયો ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ ધોલેરામાં આવનારા ટાટાના ફેબ ઉત્પાદન માટે સાધનો અને તાલીમ પૂરા પાડવા માટે રોકાણ કરવાનો ઇરાદો દર્શાવ્યો છે.
ટોકિયો ઇલેક્ટ્રોન પણ ધોલેરામાં પોતાની ઓફિસ સ્થાપશે. આ ઓફિસમાં 200થી 300 એન્જિનિયર્સ કામ કરશે. સાથેસાથે તાલીમ સુવિધા અને સ્પેર પાર્ટ્સ વેરહાઉસ પણ હશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન મુલાકાત દરમિયાન જાપાનીઝ પ્રીમિયર શિગેરુ ઈશિબા સાથે ટોકિયો ઇલેક્ટ્રોન ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત જાપાનની જ એક અન્ય કંપની ફુજી ફિલ્મ સેમિકંડક્ટર ક્ષેત્રમાં સહયોગ કરવાના આશયથી ધોલેરામાં જ રોકાણ કરવા જઈ રહી છે. સેમિકંડક્ટર ચિપના ઉત્પાદન માટેનું મટિરિયલ્સ સપ્લાય કરતી ફુજી ફિલ્મ ઇલેક્ટ્રોનિક મટિરિયલ્સ કંપની ધોલેરામાં પોતાનું ઉત્પાદન કેન્દ્ર સ્થાપવાની, લાઇસન્સ્ડ મેન્યુફેક્ચરિંગ કે પછી અન્ય કોઈ કંપની સાથે મળી સંયુક્ત સાહસ શરૂ કરવાના ત્રણ વિકલ્પો પર વિચારણા કરી રહી છે.
જાપાનના ઇવાટે પ્રિફેક્ચરના વાઇસ ગવર્નર સાસાકી જૂન સાથે JICAના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે બેઠક કરી હતી. આ પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઈન્ડિયા-2025માં સહભાગી થવા ભારતમાં આવ્યું. તેમણે ગુજરાતમાં કાર્યરત્ જાપાનીઝ સેમિકોન ઇન્ડસ્ટ્રીઝની સ્થળ મુલાકાત કરી હતી.
જર્મન ગેસ કંપની લિન્ડે પણ તૈયાર
ધોલેરામાં સેમિકંડક્ટર કંપનીઓના આવવાના ઇરાદા જોઈને જર્મન કંપની લિન્ડે ગેસે પણ અહીં મોટાપાયે રોકાણનો ઇરાદો મજબૂત કર્યો છે. સેમિકંડક્ટર બનાવવા માટે ખાસ ગેસના સપ્લાય માટે કંપની નવો પ્લાન્ટ સ્થાપવા માટે નિર્ણયના અંતિમ તબક્કામાં છે. લિન્ડે તાઇવાન, કોરિયા, સિંગાપુર અને અમેરિકા જેવા દેશોમાં સ્થિત અગ્રણી ફેબ્સ કંપનીમાં પહેલેથી જ માન્ય સપ્લાય ચેઇન ધરાવે છે, જેને કારણે ભારતીય પ્રોજેક્ટ્સને પણ જોડવાનું કામ સરળ બનશે.