સુરતઃ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઇન્ટરનેશનલ કાર્ગો ઓપરેશન શરૂ કરવા લાંબા સમયથી માગ ઊઠી રહી છે. સુરતથી મોટા પ્રમાણમાં જેમ્સ એન્ડ જ્વેલરી, કાપડ, કેમિકલ, શાકભાજી, ફળ અને ઝિંગા સહિતની સામગ્રી એક્સપોર્ટ થાય છે, પરંતુ સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ કાર્ગોની સુવિધા ન હોવાથી આ સામગ્રીને અન્ય એરપોર્ટથી એક્સપોર્ટ કરવી પડે છે. આ સ્થિતિના લીધે સુરતના ઉદ્યોગકારોને સમય બગડવાની સાથે આર્થિક ભારણ પણ વેઠવું પડે છે. દરમિયાન ચેમ્બરની એવિએશન એન્ડ એરપોર્ટ કમિટી અને જીજેઈપીસી દ્વારા સુરતથી દુબઈમાં થતી આયાત-નિકાસના આંકડા સાથે એરપોર્ટ ઓથોરિટીને સુરત એરપોર્ટથી જેમ્સ એન્ડ જ્વેલરીના આયાત-નિકાસ માટે ઇન્ટરનેશનલ પ્રિસીએસ કાર્ગો ઓપરેશન શરૂ કરવા રજૂઆત કરી છે.
સુરતને ઇન્ટરનેશનલ એર કાર્ગોની સુવિધા મળી રહેતાં દરવર્ષે સુરત એરપોર્ટથી 10થી 12 બિલિયન યુએસ ડોલરના આયાત-નિકાસની સંભાવના છે. સુરત એરપોર્ટથી દુબઈ, શારજાહ અને બેંગકોકની ફ્લાઇટ ઉડાન ભરે છે, ત્યારે સુરતથી જેમ્સ એન્ડ જ્વેલરીના આયાત-નિકાસ માટે ઇન્ટરનેશનલ પ્રિસીએસ કાર્ગો ઓપરેશન શરૂ કરાય તો અહીંના ઉદ્યોગકારોને મોટી રાહત થશે.