ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂત અશ્વિન પટેલે ખેતીમાં નવીન મલ્ચિંગ પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિથી તેમણે શિયાળામાં પણ ભીંડાની સફળ ખેતી કરી બતાવી છે. મલ્ચિંગ પદ્ધતિમાં ખેતરમાં નક્કી કરેલી લાઇનમાં પ્લાસ્ટિકની લાઇન પાથરવામાં આવે છે. પ્લાસ્ટિકમાં 3થી 4 સે.મી.નાં છીદ્રો કરી તેમાં બિયારણનું વાવેતર કરવામાં આવે છે. આ પદ્ધતિથી તાપમાનની યોગ્ય જાળવણી થાય છે અને છોડનો સારો વિકાસ થાય છે.
અશ્વિન પટેલે ડિસેમ્બર-2024માં ભીંડાનું વાવેતર કર્યું હતું. એક સીઝનમાં તેમને રૂ. 1.40 લાખની આવક થઈ છે. તેઓ કેળની ખેતી પણ કરે છે, જેમાં 15થી 17 મહિનાની માવજત બાદ રૂ. 2 લાખ સુધીની આવક મળે છે.
મોંઘાં બિયારણ, ખાતર અને મજૂરોના ખર્ચ વગર પણ મલ્ચિંગ પદ્ધતિથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. અશ્વિન પટેલે ભીંડા ઉપરાંત ચોળી અને મકાઈ જેવા મિશ્ર પાકની પણ સફળ ખેતી કરી છે. તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.