કચ્છમાં મળી વનસ્પતિની નવી પ્રજાતિ

Tuesday 10th June 2025 17:29 EDT
 
 

ભુજ: કચ્છને કુદરતની પ્રયોગશાળા કહેવાય છે તે અમસ્તાં જ નથી કહેવાતું. આ ધરતીમાંથી એવા-એવા છોડ, પાક અને ફળ થયાં છે, જેની સામાન્ય રીતે કલ્પના પણ કરી શકાય નહીં. અહીંથી એક એવી વનસ્પતિની જાત તજજ્ઞોને મળી આવી છે, જે આ અગાઉ આખા ભારતમાં ક્યાંય નોંધાઈ ન હતી. મૂળ ઇજિપ્તથી-તુર્કીથી- ઇઝરાયલ જેવા પ્રદેશોની ખારી ભૂમિની આ ‘ઝાઈગોફેલિયમ કોસિનિયમ’ વનસ્પતિ ભારતમાં પહેલી વખત કંડલા-ગાંધીધામના માર્ગે મળી આવતાં વનસ્પતિશાસ્ત્રીઓ રોમાંચિત થયા છે અને તેના વૈજ્ઞાનિક પૃથક્કરણ પર નજર મંડાઈ છે. આ સફળતા ‘ગાઇડ’ તરીકે જાણીતી ‘ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી’ સંસ્થાના વૈજ્ઞાનિકોને સાંપડી હતી.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ઝાઇગોફેલિયમ કુળની ‘સિમ્પલેક્સ' નામની પ્રજાતિ તો અસ્તિત્વ ધરાવે છે, પરંતુ `કોસિનિયમ' પ્રજાતિ પહેલી જ વખત નોંધાઈ છે. કચ્છમાં જ અને દેશમાં પણ અન્ય સ્થળે આ પ્રજાતિની ઉપસ્થિતિ હોઈ શકે છે અને તેથી ગાઇડ સંસ્થા દ્વારા તેની વધુ હાજરી તેમજ આ પ્રજાતિના ગુણધર્મ વગેરે વિશે આગળનું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. ગાઇડના નિર્દેશક ડો. વી. વિજયકુમારે જણાવ્યું હતું કે, સંસ્થાની નિયમિત ફિલ્ડ મુલાકાત દરમિયાન 2023માં કંડલા-ગાંધીધામના માર્ગે પુલ નજીક જમીનમાં આ વનસ્પતિ નજરે પડી હતી.


comments powered by Disqus