અમદાવાદઃ મહેસાણાની કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂને યોજાવાની છે, ત્યારે ફોર્મ ચકાસણીના અંતે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. કડી મત વિસ્તારમાં 8 ઉમેદવાર અને વિસાવદરમાં 16 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. બંને બેઠકો જીતવા ભાજપે નેતા-કાર્યકરોની ફોજ ઉતારી છે. બંને બેઠકો જીતી ભાજપ 163 બેઠકો સાથે એક નવો રેકર્ડ બનાવવા તત્પર છે, જેની સામે કોંગ્રેસ અને આપ પોતાની હયાતીને જીવિત રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અન્ય 5 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. પાંચેય ઉમેદવારો અન્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે, પણ એકેય અપક્ષે દાવેદારી નોંધાવી નથી. વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણ મુખ્ય પક્ષો સિવાય 12 અપક્ષોએ પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. હવે અપક્ષો કોને ફાયદો પહોંચાડશે અને કોને નુકસાન કરશે તે તો પરિણામ પછી ખબર પડશે. અત્યારે તો અપક્ષોને બેસાડવા માટે પણ રાજકીય ગતકડાં શરૂ થયાં છે.