કલોલ: ગાંધીનગર જિલ્લાના લવારપુર, રતનપુર અને શાહપુર ગામના ખેડૂતોએ ફાલસાની ખેતી થકી વિદેશી બજારમાં પોતાની ઓળખ બનાવી છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફાલસાની ખેતી થાય છે. વેપારીઓ સીધા ખેડૂતોના ઘરે આવીને ખરીદી કરે છે, જેથી ખેડૂતોને માર્કેટ સુધી જવાની જરૂર પડતી નથી.
ફાલસાનો એક મણનો ભાવ આ વર્ષે રૂ. 2 હજારની આસપાસ છે. માત્ર લવારપુરમાં જ 30થી 40 ખેડૂતો ફાલસાની ખેતી કરે છે. 40 વર્ષ પહેલાં લવારપુરના અશ્વિનભાઈ બેચરદાસ પટેલે પ્રથમ વખત ફાલસાની ખેતી શરૂ કરી હતી. આજે આ ખેતી જિલ્લાના અન્ય વિસ્તારો જેવા કે દહેગામ, મગોડી અને ઈસનપુર સુધી વિસ્તરી છે.
ખાટાં-મીઠાં સ્વાદવાળું ફાલસા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેનો જ્યૂસ લોહીની શુદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને ઉનાળામાં તેની માગ વધુ રહે છે. લવારપુરના પરિશ્રમ ફાર્મના માલિક હસમુખભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વિસ્તારની જમીન અને હવામાન ફાલસાની ખેતી માટે અનુકૂળ છે.
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. કેટલાક પ્રગતિશીલ ખેડૂતો ઓનલાઇન વેચાણ પણ કરી રહ્યા છે. વિદેશી બજારમાં પ્રવેશ મેળવીને ખેડૂતોએ આવકના નવા માર્ગો શોધ્યા છે.