દ્વારકાઃ હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ ધરાવતા કાચબા માટે ગુજરાતનું દ્વારકા અને માંડવી લીલા-ઓલિવ રીડલી કાચબા માટે પિયર બન્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં કાચબા ઇંડાં મૂકવા આવે છે.
કાચબાની 7 પૈકી 5 પ્રજાતિ ભારતમાં
કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ 7 પ્રજાતિ પૈકી ભારતના દરિયામાં કુલ 5 પ્રજાતિ જોવા મળે છે, તેમજ ગુજરાતના દરિયામાં 4 પ્રજાતિ જોવા મળે છે. એમાં ખાસ કરીને દ્વારકા જિલ્લાને લીલા અને ઓલિવ રીડલી કાચબાનું 'પિયર' માનવામાં આવે છે. દ્વારકાના દરિયાકાંઠે લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબાની મોટા પ્રમાણમાં વસાહત રહેલી છે. ઓખામઢી ખાતે 2013થી 2025 સુધી અંદાજિત 80 હજાર કાચબાનો ઉછેર કરાયો છે.
માંડવી પણ કાચબાનું પિયર
કચ્છના માંડવીના દરિયામાં ઓલિવ રીડલી સી ટર્ટલ મોટી સંખ્યામા છે અને કચ્છનું બાડા ગામ કાચબાના મોસાળ તરીકે ઓળખાય છે. માદા કાચબા અહીં ઇંડાં આપવા આવે છે, જેનું રક્ષણ વનવિભાગ, સ્થાનિકો અને માછીમારો કરે છે. જખૌ અને માંડવીના રેતાળ વિસ્તાર આ કાચબાઓને ઈંડા આપવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે.