વડોદરામાં દેશનું સૌથી વધુ 955 વર્ષ પુરાણું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Tuesday 10th June 2025 17:38 EDT
 
 

વડોદરાઃ ઐતિહાસિક વિરાસતોના ખજાનાસમા વડોદરાનાં પ્રાકૃતિક સ્મારકોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં આવેલા આશરે 955 વર્ષ જૂના ભવ્ય બાઓબાબ વૃક્ષનો પણ સમાવેશ થાય છે.
વડોદરા શહેરથી આશરે 15 કિલોમીટર દૂર ગણપતપુરા ગામમાં મૂળ આફ્રિકામાં જોવા મળતું બાઓબાબ વૃક્ષ છે. ખુલ્લા મેદાનો વચ્ચે ઊભા આ વિરાટ વૃક્ષને વનવિભાગ દ્વારા 'હેરિટેજ વૃક્ષ' તરીકે વર્ષ 2014માં સૂચિત કરાયું છે. અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી જૂનું 2450 વર્ષ જૂનું બાઓબાબ ઝિમ્બાબ્વેમાં છે. ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશના માંડુમાં હજારથી પણ વધુ વૃક્ષો જોવા મળે છે. બાઓબાબનાં પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખૂબ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે.
ગણપતપુરા ગામમાં પ્રકૃતિની વચ્ચોવચ આવેલા મહાવૃક્ષનો ઘેરાવો લગભગ 90 ફૂટનો છે. તેમાં લગભગ 50 હજાર લિટર પાણીની સંગ્રહ ક્ષમતા છે અને આ વૃક્ષનાં મૂળ આજુબાજુનાં ગામ સુધી પ્રસરેલાં છે.
વડોદરા શહેર-જિલ્લામાં 150થી 200 વર્ષનું આયુષ્ય ધરાવતાં આશરે 6 વૃક્ષો છે. આ વૃક્ષો માત્ર પ્રાકૃતિક સ્મારક જ નથી, પરંતુ પાણીના સંગ્રહથી લઈને જમીનના ધોવાણને અટકાવવા સુધી અનેક પર્યાવરણીય લાભો પૂરા પાડે છે.


comments powered by Disqus