નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે બહુપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા હતા, જે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના આતંકવાદ સામે ભારતના કડક વલણને રજૂ કરવા માટે વિશ્વભરના દેશોની રાજધાનીઓની મુલાકાત લઈ ચૂક્યા છે. આ મિશનમાં વર્તમાન સાંસદો, પૂર્વ સાંસદો અને પૂર્વ રાજદ્વારીઓનો સમાવેશ થતો હતો. આ પ્રતિનિધિમંડળે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનું સત્ય એક નવા સંકલ્પ સાથે વિશ્વ સમક્ષ રજૂ કર્યું. પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી મોદી સાથે પોતાના અનુભવો શેર કરી પોતાનો પ્રતિભાવ આપ્યો. કેન્દ્ર સરકારે આ 7 પ્રતિનિધિમંડળના કાર્યની પ્રશંસા કરી છે, જેમાં 50 થી વધુ લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી મોટાભાગના વર્તમાન સાંસદો હતા. પ્રતિનિધિમંડળે 33 વિદેશી રાજધાની અને યુરોપિયન યુનિયનની મુલાકાત લીધી છે. આ સાંસદોએ મિશનનું નેતૃત્વ કર્યું. ભાજપના રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, કોંગ્રેસના શશિ થરુર, જેડી(યુ)ના સંજય ઝા, શિવસેનાના શ્રીકાંત શિંદે, ડીએમકેના કનિમોઝી અને એનસીપી(એસપી)નાં સુપ્રિયા સુલેએ પોતપોતાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું અને વિશ્વના વિવિધ ભાગોમાં આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કર્યું.
આ પ્રતિનિધિમંડળનો હેતુ આતંકવાદ સામેની લડાઈમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવાનો હતો. આમાં કોંગ્રેસના શશિ થરૂર અને AIMIMના અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓએ શાસક ગઠબંધનના સભ્યો સાથે મળીને વિદેશમાં ભારતનાં હિતોની હિમાયત કરી. પ્રતિનિધિમંડળમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદ અને સલમાન ખુર્શીદ જેવા અગ્રણી પૂર્વ સાંસદો પણ સામેલ હતા, જેમણે પોતાના અનુભવથી આ પ્રયાસને મજબૂત બનાવ્યો.