શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

Tuesday 10th June 2025 17:30 EDT
 
 

શંખેશ્વરઃ ફેબ્રિકેશન વ્યવસાય સાથે સંકળાયેલા ધર્મેશ પંચાલે તેમની પત્ની ઉર્મિલા અને 10 વર્ષના પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલમાં કૂદી અંતિમ પગલું ભર્યું હતું. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને છેલ્લે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસને સ્યૂસાઇડ નોટ મળી છે. સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું થાકી ગયો છું. કોઈ રસ્તો નથી દેખાતો, એટલે જિંદગી ખલાસ કરું છું.’ આખા પરિવારના આપઘાતથી સમગ્ર પરિવારમાં શોક ફેલાઈ જવા પામ્યો છે.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર શંખેશ્વર ગામે રહેતા ધર્મેશભાઈ પંચાલ દસ વર્ષથી ફેબિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની કારમાં પરિવાર સાથે કડી ખાતે આવી પત્ની અને પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી અંતિમ પગલું ભર્યું હતું. નર્મદા કેનાલ પાસે તેમની ગાડીમાં સ્યૂસાઈડ નોટ અને મોબાઇલ મળ્યાં હતાં, જે બાદ શનિવારે રાત્રે આદુંદરા નર્મદા કેનાલથી પત્ની ઉર્મિલા અને પુત્ર પ્રકાશની લાશ મળી હતી. જ્યારે રવિવારે બલાસર નર્મદા કેનાલથી ધર્મેશભાઈ પંચાલની લાશ મળી હતી. પોલીસે સ્યૂસાઇડ નોટના આધારે વ્યાજખોરો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus