સ્પેનમાં હવે ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા અમૂલ ફ્રેશ મિલ્ક લોન્ચ કરાયું

Tuesday 10th June 2025 17:36 EDT
 
 

આણંદઃ અમૂલ ફ્રેશ મિલ્ક અમેરિકા બાદ હવે યુરોપમાં પણ ઉપલબ્ધ થશે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનારા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ-અમૂલે સ્પેન અને EUમાં અમૂલ મિલ્ક લોન્ચ કરવા સ્પેનની પ્રથમ-શ્રેણીની સહકારી સંસ્થા કો.ઓપરેટિવ ગાનાડેરા ડેલ વેલ ડી લોસ પેદ્રોચેસ-કોવાપ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
સ્પેનમાં અમૂલ મિલ્કનો લોન્ચ કાર્યક્રમ મેડ્રિડ સ્થિત ભારતીય દૂતાવાસ ખાતે સ્પેનની પ્રથમ શ્રેણીની સહકારી સંસ્થા કોપાવના અધિકારી, ભારતના રાજદૂત દિનેશ કે. પટનાયક, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો.અમિત વ્યાસ, અમૂલ ફેડરેશનના ચીફ જનરલ મેનેજર મનોરંજન પાની સહિતના દિગ્ગજોની હાજરીમાં યોજાયો હતો. 36 લાખ ડેરી ખેડૂતો સાથે અમૂલ વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી સંસ્થા છે. અમૂલ બ્રાન્ડને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ અને ભારતની સૌથી મોટી ગ્રાહક ઉત્પાદન જૂથ બ્રાન્ડનું રેટિંગ અપાયું છે અને તે દરવર્ષે 1200 કરોડ લિટર દૂધનું સંચાલન કરે છે. અમૂલ વિશ્વની આઠમી સૌથી મોટી દૂધ પ્રોસેસર સંસ્થા છે, તે ભારતમાં 112 ડેરી પ્લાન્ટ ચલાવે છે, જેની પ્રતિ દિવસ દૂધ હેન્ડલિંગ ક્ષમતા 4.2 કરોડ લિટર છે. કોવાપ સ્પેનની પ્રથમ-શ્રેણીની સહકારી સંસ્થા છે, જેની સ્થાપના 1959માં કોર્ડોબાના પોઝોબ્લાન્કોમાં થઈ હતી. તે 2 હજારથી વધુ સક્રિય ખેડૂત-સભ્યો સાથે કોવાપ એન્ડાલુસિયાનો આધારસ્તંભ છે, જ્યાં 40 કરોડ લિટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ થાય છે.


comments powered by Disqus