વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને કોમ્પ્યુટર જગતમાં ક્રાંતિ લાવનારા યુએસબી (યુનિવર્સલ સિરિયલ બસ)ના શોધક તેમજ તાજેતરમાં પદ્મશ્રી અજય ભટ્ટનું એમ.એસ. યુનિવર્સિટીના વિશેષ કાર્યક્રમમાં સન્માન કરાયું હતું.
અજય ભટ્ટે કહ્યું હતું કે, હું જ્યારે વિદ્યાર્થી તરીકે અમેરિકામાં અભ્યાસ કરવા ગયો ત્યારે આવકારદાયક માહોલ હતો, અગણિત તકો ઉપલબ્ધ હતી. આજે વિદ્યાર્થીઓને વિઝા મેળવવા, નોકરીના ઈન્ટરવ્યૂ માટે પણ તકલીફ પડે છે. હાલમાં અમેરિકામાં જે સ્થિતિ છે તેમાં કદાચ મારા પિતા મને અમેરિકા મોકલવા સહમત ન થાય. હું પોતે આશ્ચર્યચકિત છું કે, અમેરિકામાં આવું કેમ થયું છે? અમેરિકામાં ભારત સહિતના દેશોથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આવે છે અને આઇટી, એઆઇ, જિનેટિક્સ, રિસર્ચમાં મોટું યોગદાન આપે છે. વિદેશી વિદ્યાર્થીઓ પર આકરાં નિયંત્રણોના કારણે સંશોધન, ઉદ્યોગો પર શું અસર પડશે તેની કલ્પના મુશ્કેલ છે. આ સ્થિતિ ક્યાં સુધી રહેશે તે માત્ર પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ કહી શકે.
તેમણે કહ્યું હતું કે, મારા વ્યક્તિગત અનુભવ પ્રમાણે અમેરિકન સમાજમાં ભારતીય સમુદાયને મહેનતુ અને મૂલ્યોનું જતન કરનારા સમુદાય તરીકે આદરની નજરે જોવાય છે. ભારતીયો સૌથી ધનાઢ્ય લઘુમતી સમુદાય છે અને અમેરિકાના વિકાસમાં તેમનું ઘણું યોગદાન છે. અમેરિકન સમાજમાં એકંદરે ભારતીયો માટે નફરત હોય તેવું મને લાગતું નથી.
30 વર્ષે પણ યુએસબી જરૂરી હોઈ સુખદ આશ્ચર્ય
પોતાની શોધ યુએસબી અંગે અજય ભટ્ટે કહ્યું હતું કે, ટેક્નોલોજીમાં આવી રહેલા પરિવર્તન વચ્ચે 30 વર્ષથી યુએસબીની જરૂરિયાત યથાવત્ જોઈને સુખદ આશ્ચર્ય થાય છે. હવે વાયરલેસ ચાર્જિંગનો યુગ આવી રહ્યો છે, પરંતુ બીજા 10-15 વર્ષ સુધી તો યુએસબીની જરૂર પડવાની જ છે. યુએસબીની શોધ માટે મેં એક પણ પૈસો લીધો નહોતો અને તેનો મને આજે પણ અફસોસ નથી, કારણ કે હું એક પ્રોફેસરનો પુત્ર છું અને મારો હેતુ પરિવર્તન લાવવાનો હતો. મારી પાસે 200થી વધુ પેટન્ટ છે. ક્યારેક કોઈને જરૂર હોય તો માર્ગદર્શન આપું છું. બાકી નિવૃત્ત જીવન ગાળી રહ્યો છું.
AIથી જિંદગીમાં બદલાવ આવશે
અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, એઆઇના કારણે 10-15 વર્ષમાં માણસના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવશે. લોકોની નોકરીઓ પર પણ તેની અસર પડશે. એઆઇને ધ્યાનમાં રાખીને લોકોએ નવા પ્રકારનું કૌશલ્ય કેળવવું પડશે. કોઈપણ ટેક્નોલોજિકલ પરિવર્તન જીવનમાં વિક્ષેપ કરે છે, તેના માટે લોકોએ તૈયાર રહેવું પડે છે. મને આશા છે કે, ભારત સરકાર પણ એઆઇના કારણે થઈ રહેલા બદલાવોથી માહિતગાર છે અને તેને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી રહી છે.