અમદાવાદઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતી સહિત 104 ભારતીયને ડિપોર્ટ કરી 5 ફેબ્રુઆરીએ અમેરિકન એરફોર્સના કાર્ગો પ્લેનમાં અમૃતસર લવાયા હતા, જ્યાંથી 33 ગુજરાતી 6 ફેબ્રુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 ઉત્તર ગુજરાતના છે, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે. પોલીસ દ્વારા આ લોકોને તેમના વતન લઈ જવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીની અહીં પૂછપરછ કરાઈ નહોતી, પરંતુ તેમના વતનમાં લઈ ગયા બાદ જે-તે જિલ્લાની એલસીબી કચેરી દ્વારા તેમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું.
પરિવારજનોએ રાહત અનુભવી
ગુરુવારે વહેલી સવારે વતન પરત ફરેલા ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ જિલ્લાની વ્યક્તિઓને પોલીસે અમદાવાદ એરપોર્ટથી ઘર સુધી પહોંચતી કરી હતી. એરપોર્ટ પર મોટાભાગના ડિપોર્ટ થયેલા લોકો એરપોર્ટ પર માસ્ક કે ચહેરા પર રૂમાલ સાથે જોવા મળ્યા હતા. તેમની સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો પોલીસે મોકો આપ્યો નહોતો. બીજી તરફ પરિવારના સભ્યોએ પોતાના વહાલસોયાને આવકાર્યા હતા.
કેટલાક ઘરને તાળાં મારી નીકળી પડ્યા
ગાંધીનગરના કલોલના જામળા ગામના જિજ્ઞેશ ઝાલા અને તેના પરિવારના સભ્યોએ ગામમાં રહેવાના બદલે મહેસાણા રહેવાનું નક્કી કર્યું હતું. પાટણના મણુંદ ગામે ડિપોર્ટ થયેલા કેતુલ પટેલના ઘરે તાળું જોવા મળ્યું હતું. કેતુલ પટેલની સાથે આવેલા અન્ય લોકોના ઘરે પણ આવી જ સ્થિતિ હતી. ઘર છોડીને અન્ય આશરો લેનારામાં મહેસાણા જિલ્લાના ખણુંસા, વડસ્મા, મહેસાણા, ચંદ્રનગર, વાલમ, ડાભલા, ગોઝારિયા, મેઉ સહિતના લોકોનો પણ સમાવેશ થાય છે.
એસઓજી અને પોલીસના રક્ષણ હેઠળ ડિપોર્ટ કરાયેલા લોકોને સલામત તેમના નિવાસે પહોંચાડાયા હતા. આ ઉપરાંત પોલીસે પરત ફરેલા લોકો સાથે અન્ય કોઈ સંપર્ક ન કરે તેની પણ તકેદારી રખાઈ હતી.
પરિવારે મગનું નામ મરી ન પાડ્યું
અમેરિકાથી ડિપોર્ટ લોકોના પરિવારજનો પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અમેરિકાથી પરત ફરેલા લોકોના પરિવારના અંતરંગ વર્તુળોએ જણાવ્યું હતું કે, ડિપોર્ટ કરાયેલા મોટાભાગના લોકો ઘૂસણખોરી કરતા ઝડપાયા હોવાથી તેમનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હોવાથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા.
આ લોકો ગુનેગાર નથીઃ નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમેરિકાએ જે લોકોને ડિપોર્ટ કર્યા છે તેમાં ગુજરાતીઓ પણ છે. ત્યાંથી જે લોકો પરત આવ્યા છે તેઓ ગુનેગાર નથી. તેઓને સહાનુભૂતિપૂર્વક જોવામાં આવે.