શનિવાર ૧૮ જાન્યુઆરી’૨૫ની સમી સાંજે સંસ્કાર નગરી વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ સર્જન આર્ટ ગેલરી, હોબી સેન્ટર ખાતે લોર્ડ ભીખુ પારેખ, પદ્મભૂષણના ૯૦ મા જન્મદિને સમાદરયુક્ત અને હેતભર્યા સન્માનના ગૌરવવંતા કાર્યક્રમનું શાનદાર આયોજન વડોદરાની વિવિધ ૧૧ સાહિત્ય વિદ્યા સંસ્થાઓના સહકારથી કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે પ્રો.લોર્ડ પારેખના બે પુસ્તકોની લોકાર્પણ વિધિ પણ યોજવામાં આવી હતી.
આ પ્રસંગે સાહિત્ય જગતના અગ્રણીઓ, લેખકો, વિદ્વાનો અને ચિંતકો સવાસોથી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. હોલ ખીચોખીચ ભરાયેલ હતો. અંજલિ મેમોરિયલ ટ્રસ્ટના કલાકારોના સરસ્વતી વંદનાની પ્રસ્તુતિથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. સુવિખ્યાત સાહિત્યકાર શ્રી સિતાંશુ યશશ્ચંદ્રએ આમંત્રિતોનું ભાવભીનું સ્વાગત કરતા સાથી સંસ્થાઓનો નામોલ્લેખ કર્યો.
“પ્રો. ભીખુ પારેખની સંસ્કૃતિ મીમાંસા : પરિચય અને પરિક્ષણ - એક વિચાર ગોષ્ઠિ’’ માં પ્રો. ધવલ મહેતાએ “ભીખુ પારેખનો ગાંધી, ટાગોર અને આંબેડકર વિશ્વનો વિમર્શ’’ અંગે ગહન રજૂઆત કરી.
તેમણે જણાવ્યું કે, ગાંધી, ટાગોર અને આંબેડકર ત્રણેયની વિચારસરણી વિશે સર્જનાત્મક તથા ઉચ્ચ કક્ષાના એમના લખાણમાં લોજીકલ વાદવિવાદ દ્વારા સરળ ભાષામાં સમજ આપી છે. લોકશાહીની વિભાવના પાછળ વિશિષ્ઠ પોલીટીકલ ફિલોસોફી છે. ગાંધીજીનું સત્ય મોક્ષ હતું.
“સત્યાગ્રહ”ના શસ્ત્રથી એમનો રાજકારણમાં પ્રવેશ. ટાગોરમાં સત્-ચિત-આનંદનો કોનસેપ્ટ અને આંબેડકરનો દલિતકોમ
પૂરતું મર્યાદિત લક્ષ્યાંક એમ ત્રણેયના અભિગમની સમિક્ષા તટસ્થ ભાવે કરી છે.
પ્રો.પ્રવિણભાઇ પટેલે ‘પ્રો.ભીખુ પારેખનો બહુસાંસ્કૃતિકવાદ અંગેનો વિમર્શ ‘ નું પ્રેઝન્ટેશન પ્રોજેક્ટર પર કરી વિષયની વિશદ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, ‘આપણા સમાજમાં રાજકારણ, ધર્મનું જેટલું મહત્વ છે એટલું મહત્વ કદી વિદ્વત્તાને નથી મળતું. એ કામ આજે થઇ રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે.
આપણી વચ્ચે વિશ્વ પ્રસિધ્ધ વિદ્યા પુરૂષ હોય અને એમણે જીવનના ૯૦માં વર્ષમાં પ્રવેશ કર્યો હોય એ આપણા માટે ગૌરવની વાત છે.
પ્રો.ભીખુ પારેખે બહુ સાંસ્કૃતિકવાદની જટિલતાને ઊંડાણપૂર્વક છણાવટ કરીને લોકશાહી સમાજમાં સાંસ્કૃતિક વિવિધતાને સમજ્યા અને તેને સ્વીકારવા માટે એક વ્યાપક સૈધ્ધાંતિક માળખું વિકસાવ્યું છે. ભીખુ પારેખની બહુસાંસ્કૃતિક ફીલસૂફી દરેક સંસ્કૃતિની કદર કરે છે.’
ડો.મિલિન્દ કાવટકરે ‘પ્રો.પારેખનો સંસ્કૃતિ વિમર્શ અને આપણી આવતીકાલ’ વિષય પર પોતના અભ્યાસનું તારણ રજૂ કર્યું હતું. ઇતિહાસવિદ પ્રો.શિરીનબહેન મહેતાએ પ્રો. મકરંદ મહેતા જેઓ
આ લોર્ડ પારેખના પુસ્તકના સંપાદક હતા એની ઐતિહાસિક ભૂમિકા રજુ કરી.
પ્રો.પારેખે એનો પ્રતિસાદ હળવી શૈલીમાં આપતા જણાવ્યું કે, ગાંધી, ટાગોર અને આંબેડકર ત્રણેય ધાર્મિક છે પરંતુ એમના અભિગમ અલગ અલગ છે. રાષ્ટ્રપ્રેમ વિશેની તેમની અલગ અલગ ફિલોસોફી છે. વિચાર વિમર્શ બાદ લોર્ડ પારેખની બર્થડે કેક કટીંગ સેરીમની થઇ.
-------------
જાન્યુઆરી’૨૫માં લોર્ડ પારેખના વિચાર મંથનની વિચારધારાનું ગુજરાતી રૂપાંતર કરાયેલ પ્રથમ પુસ્તક : વિશ્વ નાગરિક અને વિરલ વિદ્યા પુરૂષ લોર્ડ ભીખુ પારેખ પરિચય અને પરીક્ષણ
મકરંદભાઇની વિદાય બાદ એના સંપાદનની શેષ જવાબદારી પ્રો.સિતાંશુ યશશ્ચંદ્રએ સંભાળી જેમાં એમનું પુરોવચન છે. આ પુસ્તકમાં વિવિધ લેખકોએ લોર્ડ પારેખના અંગ્રેજી લેખોનો અનુવાદ તેમજ મહદ્ અંશે મકરંદ મહેતાના લેખોનો સમાવેશ છે.
આ પુસ્તક ગુજરાત અને ભારતની અસ્મિતાની ભાવનાને વિશ્વસ્તરે ચરિતાર્થ કરનાર બૌધ્ધિક અને કર્મયોગી પ્રો. ભીખુ પારેખને તથા નવી પેઢીના મહત્વાકાંક્ષી સ્ત્રી-પુરૂષોને અર્પણ કરેલ છે. આ પુસ્તક પોલીટીક્સ અને ફિલોસોફીના વિદ્યાર્થીઓ માટે માર્ગ દર્શક રહેશે. તેમજ બીજું પુસ્તક : પ્રો.ભીખુ પારેખ જીવન અને વિચાર રમીન જહાન બેગલુ સાથે સંવાદ જેનો અનુવાદ અનુરાધા ભટ્ટે કર્યો છે એનું પણ આ પ્રસંગે લોકાર્પણ થયું.
લોર્ડ પારેખના જીવનને નજીકથી જાણવા ને માણવા આ પુસ્તકો વાંચવા જેવા છે. એમની ઉચ્ચ અને મૌલિક વિચારસરણી નવી દિશા બક્ષવા સમર્થ છે. આ પુસ્તકોના પ્રકાશક અમદાવાદની ઝેન ઓપસ છે.
----------------