અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને હવે સસ્તી સુવિધા મળી રહેશે

Wednesday 12th March 2025 07:10 EDT
 
 

અમદાવાદઃ સરદાર પટેલ એરપોર્ટ પર હવે પેસેન્જરોને એકદમ સસ્તો ચા-નાસ્તો અને પાણીની સુવિધા મળી રહેશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ દ્વારા 7 માર્ચે શુક્રવારે ટર્મિનલ- 1 પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કરાયું, જે પ્રવાસીઓ માટે બજેટ ફ્રેન્ડલી ભોજન વિકલ્પો રજૂ કરશે. માત્ર રૂ. 10થી શરૂ થતાં ભોજન સાથે કાફેનો ઉદ્દેશ્ય સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે, જેનાથી મુસાફરો માટે એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનશે.
દેશના દિલ્હી, ચેન્નઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટ પર આ ઉડાન યાત્રી કાફે શરૂ કરાયું છે, જેનાથી ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલની અંદર પ્રવેશતાં જ મુસાફરને રૂ. 10માં ચા, પાણીની બોટલ અને રૂ. 20માં કોફી અને સમોસાં મળી રહેશે. મહત્ત્વનું એ છે કે, અત્યાર સુધી અમદાવાદ સિવાય દેશભરનાં એરપોર્ટ પર ખૂબ મોંઘાં ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા છે, જેથી મુસાફરો ઘણી વખત ખાણીપીણીની ચીજવસ્તુ લેવાનું ટાળતા હોય છે. અમદાવાદ એરપોર્ટે પાણીની બોટલના મિનિયમ રૂ.20થી લઈને રૂ.60થી 70માં મળે છે.


comments powered by Disqus