અમદાવાદઃ અમેરિકાની ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની જાબીલ ગુજરાતમાં 125 મિલિયન ડોલર (આશરે jt. 1087.5 કરોડ)ના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપશે. બુધવારે કંપનીના સિનિયર અધિકારીએ આ જાહેરાત કરી હતી. આઇએસએ (ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકંડક્ટર એસોસિયેશન) વિઝન સમિટમાં બોલતાં જાબીલના ગ્લોબલ બિઝનેસ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ મેટ ક્રોલેએ જણાવ્યું હતું કે, અમારી કંપની સિલિકોન ફોટોનિક્સ પ્રોડક્ટ ક્ષેત્રે એક દાયકા કરતાં વધુનો અનુભવ ધરાવે છે. આ પ્લાન્ટ ચાલુ કેલેન્ડર વર્ષમાં જ કાર્યરત્ થઈ જશે.
ક્રોલેએ જણાવ્યું હતું કે, ઓટોનોમસ વ્હીકલ, મેડિકલ સારવાર, 5-જી નેટવર્ક તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવાં ક્ષેત્રોમાં ફોટોનિક્સ માટે અપાર તકો છે. ક્રોલેએ કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર, રોકાણ માટે સરકારના પ્રયાસો તથા વિશાળ લેબર ફોર્સ જેવાં પરિબળોના કારણે ભારત રોકાણ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
ભારતમાં 75 હજારથી વધુ કર્મચારી
જાબીલના અધિકારીઓએ આઇએસએ સમિટ દરમિયાન ગુજરાત સરકારના અધિકારીઓ સાથે એમઓયુ કર્યા હતા. જાબીલના વાઇસ પ્રેસિડેન્ટ ક્રોલેએ જણાવ્યું હતું કે, ભારતમાં અમે વર્ષ 2003થી કાર્યરત્ છીએ અને હાલ ભારતમાં અમારી કંપનીનો 75 હજાર કરતાં વધારે સ્ટાફ છે.