આદિપુરઃ અહીંના લોહાણા મહાજનનાં સાંનિધ્યમાં યુવક મંડળ દ્વારા 32મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. સ્થાનિક મહિલા અગ્રણી પૂર્વ સાંસદ ઉષાબહેન ઠક્કરના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાયો હતો. કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રમુખ અશોક કારિયા, અખિલ ગુજરાત વાગડ લોહાણા મહાજનના પ્રમુખ પ્રવીણભાઈ ચંદે, ગાંધીધામ લોહાણા મહાજન પ્રમુખ પ્રવીણભાઈ જોબનપુત્રા, અંજારના પિનાકિન ચંદે, ભચાઉના નરેન્દ્ર કોટક, મુંદ્રાના કિશોર ચોથાણી, વાગડ રઘુવંશી પરિવારના પ્રમુખ દેવેન્દ્ર સોમેશ્વર વગેરે જોડાયા હતા.
યુવક મંડળના પ્રમુખ હીરેન મજિઠિયાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. પૂર્વ સાંસદ ઉષાબહેન ઠક્કરે સમાજનાં જૂનાં સંસ્મરણો તાજા કર્યાં હતાં અને તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા. આદિપુર મહાજનના મંત્રી મનીષ મજિઠિયાએ મહાજન દ્વારા કરાતી સેવા પ્રવૃત્તિઓ અંગે ખ્યાલ આપ્યો હતો. ત્રણ વર્ષથી કાર્યરત્ કન્યા છાત્રાલયને સમગ્ર રઘુવંશી પરિવારનું લેખાવી દીકરીઓને વિના સંકોચે પ્રવેશ લેવા અનુરોધ કર્યો હતો.