ભુજઃ સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠેથી ડ્રગ્સની હેરાફેરીના આયોજનબદ્ધ નેટવર્ક પર ATS, પોલીસ અને એજન્સીના સંયુક્ત પ્રયાસોથી અંકુશ મેળવી શકાયો છે. વર્ષ 2023-24 દરમિયાન કચ્છના દરિયાકાંઠેથી પકડાયેલાં રૂ. 1,115 કરોડના કોકેઇન અને ચરસનાં પેકેટ્સના આરોપીઓ અંગે રહસ્ય અકબંધ છે. પૂર્વ કચ્છના દરિયાકાંઠેથી જ રૂ. 1170 કરોડનો કોકેઇનનો જથ્થો પકડાયો તે મોકલનારા અને લાવનારા કોણ તે ભેદ હજુ અકબંધ છે.
ખારીરોહર નજીક તો રૂ. 130 કરોડનું કોકેઇન તો ATSની બાતમીથી પકડાયું હતું પણ આ એજન્સી પણ કોકેઇનનો વિશાળ જથ્થો મોકલનારા સુધી પહોંચી શકી નથી. જૂન 2023થી દોઢ વર્ષમાં દરિયાકાંઠે રૂ. 45 કરોડની કિંમતના કોકેઇન અને ચરસનાં 200 જેટલા પેકેટ્સ બિનવારસી મળ્યાં હતાં તેનો નિકાલ કરવા હવે વિધિવત્ પોલીસ ફરિયાદો નોંધવાની કાર્યવાહી કરાઈ છે. દરિયાઈ રસ્તેથી ભારત અને વિશ્વમાં ડ્રગ્સની હેરાફેરી કરવા માટે કચ્છના દરિયાકાંઠાનો દુરુપયોગ શરૂ થયો તેના પર 2023-24 એમ બે વર્ષની ઝુંબેશથી અંકુશ મેળવાયો છે. ઝુંબેશમાં કચ્છના સાગરકાંઠાને સ્થાનિક પોલીસ અને એજન્સીઓએ ખૂંદી નાખ્યા પછી કુલ રૂ. 1115 કરોડનું ડ્રગ્સ પકડાયું પણ આરોપીઓ અંગે રહસ્ય અકબંધ રહ્યું છે. ઓગસ્ટ-23થી જૂન-24 દરમિયાન માંડવી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં કુલ રૂ. 44.57 કરોડના 112 કિલો ચરસનાં પેકેટ્સ તણાઈ આવ્યાં અથવા તો ભરતીનો યુક્તિપૂર્વક ઉપયોગ કરી મોકલવામાં આવ્યા હોવાની ફરિયાદ એસઓજીએ નોંધી છે.
આફ્રિકન કન્ટ્રીઝમાં મોકલાય તે પહેલાં જથ્થો પકડી લેવાયો
પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહે છે કે, ચરસ, કોકેઇન કે અન્ય ડ્રગ્સનો જથ્થો કચ્છ રૂટથી અન્યત્ર મોકલાઈ રહ્યાનું પ્રાથમિક અનુમાન છે. હજુ સુધીની તપાસમાં સ્થાનિક લોકોની સંડોવણી બહાર આવી નથી. જો કે વર્ષ 2023-24 દરમિયાન ડ્રાઇવમાં પકડાયેલો ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો અને ક્યાં જવાનો હતો તે અંગે તપાસ પૂર્ણ કરાઈ નથી.
રૂ. 21 હજાર કરોડના હેરોઈન કેસમાં આરોપી જ સાક્ષી
મુન્દ્રાથી 2021માં પકડાયેલા રૂ. 21 હજાર કરોડના ચકચારભર્યા હેરોઇન પ્રકરણમાં પકડાયેલા મહત્ત્વના એવા આરોપી ઈશ્વીન્દરસિંઘ ગુરદેવસિંઘ બાજવાએ સાક્ષી બનીને જજ સમક્ષ નિવેદન આપ્યું હતું. અત્યાર સુધી 12 સાક્ષીઓની જુબાની થઈ છે. જો કે, મહત્ત્વના આરોપીએ આ કેસમાં સાક્ષી બનીને ભારતમાં કેવી રીતે ડ્રગ્સની હેરાફેરી થાય છે તેનો પર્દાફાશ કરતી જુબાની આપી છે.