વીરપુર: પૂજ્ય જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આ અંગે વીરપુર આવીને માફી માગે તેવી ઉગ્ર માગ ઊઠતાં અંતે સ્વામી જ્ઞાનપ્રકાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાધામ વિરપુરમાં પાછલા બારણેથી પ્રવેશ કરી પૂજ્ય જલારામ બાપાનાં ચરણોમાં માફી માગી હતી. કાળા કાચવાળી કારમાં તેઓ આવતાં લોકોમાં પ્રશ્ન ઊઠ્યો હતો કે લોકો અને સંતો માટે શું કાયદો અલગ હોય?
બપોરે 4:30 વાગ્યાની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવી જલારામ બાપાના મંદિરે બાપાના દર્શન કરી માફી માગી હતી.
બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં સ્વામીને મંદિરના પાછળના દરવાજેથી સીધા મંદિરમાં લઈ જવાયા હતા, જ્યાં વિરપુર મંદિરના ગાદીપતિ રઘુબાપાના લઘુબંધુ અને પરિવારજન ભરતભાઈ ચાંદ્રાણી સાથે જલારામ બાપાની જગ્યામાં શિશ ઝુકાવીને માફી માગી હતી.
ભારે વિવાદના કારણે વડતાલ ટેમ્પલ મંદિર બોર્ડ દ્વારા લેટરપેડ પર લેખિત માફીપત્ર પણ રજૂ કર્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, જલારામ બાપાનું જીવન અને સંદેશ દેશ-વિદેશના હિન્દુઓ માટે પ્રેરણારૂપ છે. સાધુ જ્ઞાનપ્રકાશ દ્વારા અપાયેલા વાહિયાત નિવેદનને સંસ્થા સમર્થન કરતી નથી.સંપ્રદાયના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત જ નથી.