સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે સેલવાસમાં રૂ. 2,580 કરોડથી વધુનાં વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગુજરાતના નવસારીમાં શનિવારે અનોખું દૃશ્ય જોવા મળ્યું. અહીં લખપતિ દીદી સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત, જી-સફલ અને જી-મૈત્રી યોજનાઓના લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો, જેમાં સુરક્ષાની જવાબદારી 2500 મહિલા પોલીસ કર્મચારીઓએ નિભાવી હતી.
આ કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે, હું સૌથી ધનિક છું, કેમ કે મારા ખાતામાં આટલી માતા-બહેનોના આશીર્વાદ છે. આ આશીર્વાદ જ મારી સૌથી મોટી તાકાત, મિલકત અને સુરક્ષા કવચ છે. તેમણે દેશમાં મહિલાઓની વધતી ભાગીદારી પર કહ્યું કે, આજે સંસદમાં 74 મહિલા સાંસદ છે.
5 વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવીશું
કાર્યક્રમમાં લખપતિ દીદીઓનું સમ્માન કરતાં 25 હજાર સ્વયં સહાયતા ગ્રૂપની અઢી લાખ મહિલાઓને અંદાજિત રૂ. 450 કરોડ ફાળવવામાં આવ્યા. તેમણે કહ્યું કે, આજે દેશના આશરે અડધા સ્ટાર્ટઅપમાં મહિલા રોકાણકારોની મહત્ત્વની ભૂમિકામાં છે. આપણે ગર્વ લઈ શકીએ છીએ કે ભારતમાં સૌથી વધુ મહિલા પાઇલટ છે. અત્યાર સુધીમાં દોઢ કરોડ મહિલા લખપતિ દીદી બની ચૂકી છે. અમે આગામી 5 વર્ષમાં ત્રણ કરોડ મહિલાને લખપતિ બનાવવાનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છીએ. 2014 પછી અંદાજિત 3 કરોડ મહિલા ઘરની માલિક બની ચૂકી છે.
મોદીને સફળતાની ગાથા સંભળાવી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતી સખીમંડળની 10 લખપતિ દીદી સાથે વાર્તાલાપ કર્યો હતો. મોદીએ બોર્ડરૂમ સ્ટાઇલથી લખપતિ દીદીઓ સાથે બેઠક કરી હતી. લખપતિ દીદીઓએ આર્થિક રીતે પગભર થયા બાદ સમાજમાં મળેલા માન-સન્માનની વિસ્તૃત ગાથા પ્રધાનમંત્રીને જણાવી હતી.
એક ડ્રોન પાઇલટે કહ્યું કે, હું ડ્રોન ઉડાવી શકતી ન હતી, પરંતુ પીએમ મોદીના કારણે ડ્રોન પાયલટ બનવાની તક મળી છે.
દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ છવાયેલી: મોદી
રાજકીય મેદાન હોય કે રમતનું મેદાન, દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ છવાયેલી છે. 2014 બાદથી દેશનાં મહત્ત્વનાં પદો પર મહિલાઓની ભાગીદારી ખૂબ ઝડપથી વધી છે. કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બની, 2019માં પહેલીવાર અમારી સંસદમાં 78 મહિલા સાંસદ ચૂંટાઈ આવ્યાં હતાં
મેં ગરીબોને પૂજ્યા છેઃ PM
ગરીબોને પહેલાં કોઈ પૂછતું પણ નહોતું, એ ગરીબોને મેં પૂજ્યા છે. અમારું લક્ષ્ય દરેક ગરીબ પરિવારને પર્યાપ્ત પોષણ આપવાનું છે. PM પોષણ યોજના હેઠળ 12 કરોડ બાળકોને પોષક આહાર મળે તે જરૂરી છે. અમારી સરકારે બાળકો, મહિલાઓના પોષણની ચિંતા કરી છે. આ શબ્દો સાથે પીએમ નરેન્દ્ર મોદીએ સુરતમાં ખાદ્યસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
નામ અને દાનથી સુરતની ઓળખ
લિંબાયત ખાતે જનસભાને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, નામ અને દાન બે બાબત સુરતને વિશેષ બનાવે છે. ત્રીજી વખત પીએમ બન્યા બાદ આ મારી પહેલી સુરતની મુલાકાત છે. ગુજરાતે મને ઘડ્યો અને દેશે મને વહાલથી અપનાવ્યો છે. હું હંમેશાં આપ સૌનો ઋણી છું. જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે તેવા સુરતની સ્પિરિટ યાદ ન આવે અને જોવા ન મળે એ કેવી રીતે બને! કામ અને દામ આ બે એવી વસ્તુ છે જે સુરતને વધુ વિશેષ બનાવે છે.
યુવાન પેઈન્ટરને જોઈ મોદીએ કાફલો અટકાવ્યો
સુરતના રોડ-શો દરમિયાન પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલતા હતા. આ સમયે એક યુવાન મોદી અને તેમનાં માતુશ્રી હીરાબાનું પેઇન્ટિંગ પોતાની આંખમાં આંસુ સાથે દર્શાવી રહ્યો હતો. તેને જોઈને વડાપ્રધાને કાફલો અટકાવ્યો હતો અને પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા યુવાનનું નામ પૂછાવીને એ પેઇન્ટિંગ પર તે નામ સાથે ઓટોગ્રાફ આપીને પરત કર્યું હતું.
દમણ-દીવને સિંગાપોર જેવું બનાવી શકાયઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે લોકો સંકલ્પ કરે તો દમણ અને દીવને સિંગાપોર જેવું બનાવી શકાય. તમે લોકો તૈયાર હો તો હું સાથ આપવા તૈયાર છું. સેલવાસ અને દમણનો વિકાસ ભારતના નકશા પર દેખાઈ રહ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં વિકાસ શરૂ કર્યો. આ વિસ્તારના વિદ્યાર્થીઓને ભણવા માટે અગાઉના સમયમાં બહાર જવું પડતું હતું, પરંતુ વિકાસ થતાં એક-બે નહીં પણ અનેક કોલેજ બનાવાઈ છે. અહીં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં અલગ-અલગ 4 ભાષામાં અભ્યાસક્રમ ચલાવાય છે.
તેલનો ઉપયોગ 10 ટકા ઘટાડોઃ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલવાસમાં મેદસ્વિતાને અનેક બીમારીઓનું મૂળ ગણાવતાં મહિલાઓને સંબોધીને રસોઈમાં તેલનો ઉપયોગ 10 ટકા ઘટાડવા અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે, આપણે બધાએ રસોઈમાં તેલનો ઉપયોગ 10 ટકા ઘટાડવો જોઈએ. દર મહિને 10 ટકા ઓછા તેલથી રસોઈ કરવાનો પ્રયાસ કરવો પડશે. તમે તેલનો ઉપયોગ 10 ટકા ઘટાડવાનું વચન આપો છો?

