નવસારીઃ ગુજરાતમાં બુટલેગરોનો ત્રાસ વધતો જાય છે, જેનો એક તાજો જ દાખલો નવસારી સ્ટેશન પર જોવા મળ્યો છે. બુટલેગરો હવે દારૂની હેરફેર ટ્રેન દ્વારા કરી રહ્યા છે. તેઓ તેમનો માલ ઉતારવા ચેઇન પુલિંગ કરી ટ્રેનને કોઈપણ જગ્યાએ થોભાવીને તેમનો માલ ઉતારી લેતા હોય છે. આવાં તત્ત્વોને રેલવે પોલીસ પકડવાને બદલે મદદ કરતી હોય તેવો નવસારીનો એક વીડિયો સામે આવ્યો છે.
ગત અઠવાડિયે બુટલેગરોએ ટ્રેન પુલિંગ કરીને એક ટ્રેનને નવસારી સ્ટેશને રોકી હતી અને તેમનો માલ ઉતારતા હતા. પબ્લિકે ઊહાપોહ કરતાં પોલીસ હાજર થઈ હતી, પરંતુ પોલીસે પણ બુટલેગરોને પકડવાને બદલે તેમને મદદ કરતી હોય તેમ જણાતું હતું. આથી સ્ટેશન પર હાજર પબ્લિક વિફરી હતી અને તે બધાએ પોલીસની હાજરીમાં જ ‘ગૃહમંત્રી હર્ષ સંઘવી હાય... હાય...’ના નારા બોલાવ્યા હતા. ઊહાપોહ કરતાં લોકોનું કહેવું હતું કે, હેલમેટ ફરજિયાત કરાવવા હર્ષ સંઘવી મેદાને પડ્યા છે પણ જે કામ કરવાનું હોય તે કરતા નથી. જો તાકાત હોય તો આ બુટલેગરોને પકડોને!