અમદાવાદઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાતમાં રહ્યા હતા. અમદાવાદમાં તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રદેશથી લઈને તાલુકાકક્ષાના આગેવાનો સાથે ચર્ચા કરી. રાહુલ ગાંધીએ આખા દિવસમાં 500થી વધુ કોંગ્રેસી નેતાઓની સાથેની ચર્ચા દરમિયાન તેમને ઝીણવટથી ચકાસ્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસનો તાગ મેળવી લીધો હતો. પહેલા દિવસે તો ખાસ બોલ્યા નહીં, માત્ર સિનિયર્સથી લઈ કાર્યકરોની વાત સાંભળી હતી.
કાર્યકરોએ હૈયાવરાળ ઠાલવી
8 માર્ચે શનિવારે 2 હજાર કોંગ્રેસ કાર્યકરો માટે જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા, શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા. જેમાં કોંગ્રેસના 4 કાર્યકર પ્રહલાદ સરવૈયા, જયેશ કરમઢા, દિનેશ રથવી અને રમેશ સોલંકીએ રાહુલ સામે હૈયાવરાળ ઠાલવી હતી. જેમાં સંગઠનને મજબૂત કરવાની તથા સંગઠનના ગદ્દારો વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરી છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ દ્વારા થતી અવહેલના, વિવાદો દૂર કરી સંગઠનને મજબૂત બનાવવા માગ કરાઈ છે.
રાહુલે કોઈપણની શેહશરમ ભર્યા વિના કહ્યું હતું કે, સેક્રેટરી તથા અધ્યક્ષ સહિત અમે તમામ નિષ્ફળ રહ્યા છીએ. આ વાત કરવામાં હું શરમ પણ અનુભવતો નથી. જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રૂપનું કંઈક કરવાનું છે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 20થી 40 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું.
કોંગ્રેસ ગુજરાતને વિકલ્પ આપી શકી નથીઃ રાહુલ
કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતની કોંગ્રેસ અહીંની જનતાને વિકલ્પ નથી દર્શાવી શકી. તેમણે જણાવ્યું કે, આ હું શરમાઈને કે ડરીને નથી કહી રહ્યો. આપણા કાર્યકરો હોય, રાહુલ ગાંધી હોય, મહામંત્રી હોય કે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષો, આપણે ગુજરાતને સાચો રાહ બતાવી શક્યા નથી. આપણે ગુજરાતની જનતાનો આદર કરતા હોઈએ તો કહેવું પડશે કે પાછલાં 15થી 20 વર્ષમાં ગુજરાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કે પ્રભારીઓ પાસે જે અપેક્ષા રાખી તે આપણે પૂરી કરી શક્યા નથી. જો આજે આપણે આ સ્વીકારીશું નહીં તો ગુજરાતની જતના સાથે આપણે ક્યારેય પણ સંબંધ પ્રસ્થાપિત નહીં કરી શકીએ. હું ગુજરાતના લોકો સાથે સંબંધો બનાવવા આવ્યો છું.
જનતા વિપક્ષ ઈચ્છે છે, BJPની બી ટીમ નહીં
રાહુલે કાર્યકરોનો ઉત્સાહ વધારતાં કહ્યું કે, ગુજરાતની જનતા, નાના વેપારીઓ, ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ વિપક્ષ ઈચ્છે છે. અમે ભાજપની બી ટીમ જરાપણ ઇચ્છતા નથી. કોંગ્રેસમાં નેતાઓની કોઈ કમી નથી, જિલ્લા અને વોર્ડ સ્તરના નેતા બબ્બર શેર છે, પણ પાછળથી સાંકળ લાગેલી છે. કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને લગ્નમાં અને લગ્નના ઘોડાને રેસમાં મોકલે છે. હવે બે ગ્રૂપને અલગ પાડવાના છે, પછી ભલે કડક કાર્યવાહી કરી 20-40 લોકોને કાઢી મૂકવા પડે. કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરો છો પણ ત્યાં જઈ આવો, તમને ફેંકી દેશે. જેમના દિલમાં કોંગ્રેસ છે તેવા લોકોના હાથમાં પક્ષની બાગડોર હોવી જોઈએ. જો આ કામ કરીશું તો લોકો પણ કોંગ્રેસ સાથે સામેલ થવા પ્રયાસ કરશે.
અધિવેશન બાદ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થશે
રાહુલ ગાંધી સમક્ષ તાલુકાકક્ષાના નેતાઓએ પ્રદેશસ્તરના નેતાઓની ઢગલાબંધ ફરિયાદ કરી હતી. આ સાંભળી રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસના અધિવેશન બાદ સમગ્ર પ્રદેશ માળખામાં પરિવર્તનનો ઇશારો કર્યો હતો. આવતા એપ્રિલમાં અમદાવાદમાં યોજનારા પાર્ટી મહાઅધિવેશન પછી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સ્થાને નવો ચહેરો આવે તેવી શક્યતા છે.

