ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને મહાનગરોના પ્રમુખો માટે ડિસેમ્બરમાં હાથ ધરાયેલી પ્રક્રિયા પછી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દોઢ મહિના પછી 41 પૈકી 35 નામની જાહેરાત કરી છે. ભાજપ દ્વારા દરેક જિલ્લા, મહાનગરોમાં વિધિસરની બેઠક યોજીને પ્રદેશથી ગયેલા આગેવાનો દ્વારા નામની જાહેરાત કરાઈ હતી. ભાજપે જે 35 જિલ્લા, મહાનગરોના પ્રમુખોની જાહેરાત કરી છે, તે પૈકી 22ને રિપીટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગર, ગાંધીનગર મહાનગર, વડોદરા જિલ્લો, ખેડા, પોરબંદર અને પંચમહાલ જિલ્લા સિવાયના તમામ જિલ્લા, મહાનગરો માટે પ્રમુખોનાં નામ જાહેર થયાં છે. એમાં 22 જેટલા પ્રમુખને રિપીટ કરાયા છે. કેન્દ્રીય જળશક્તિમંત્રી અને પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે દક્ષિણ ગુજરાતમાં કેટલાક નવા યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, તો સુરત મહાનગર માટે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ જેવા કડવા પટેલને પ્રમુખ બનાવ્યા છે. જ્યારે જિલ્લામાં પૂર્વ પ્રદેશ એસટી મોરચાના મંત્રી ભરત રાઠોડ પર પસંદગી ઉતારી છે. 35 ચહેરાઓમાં એકમાત્ર જામનગર મહાનગર પ્રમુખપદે મહિલાની પસંદગી થઈ છે. એમાં મહાનગરપાલિકાના પૂર્વ મેયર, પૂર્વ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ, મહામંત્રી તરીકે કામગીરી કરનાર બીનાબેન કોઠારીને જવાબદારી સોંપી છે. મોટાભાગે ભાજપે યુવા ચહેરાઓને પસંદ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ રિપીટ થયેલા પ્રમુખોમાં ઉંમરનું ધારાધોરણ જાળવવામાં આવ્યું નથી. એટલે કે અનેક ઠેકાણે પક્ષને બાંધછોડ કરવી પડી છે. ભાજપના અનેક ધારાસભ્યોએ પણ દાવા કર્યા હતા, પરંતુ એકપણનો સમાવેશ થયો નથી. હવે બાકી રહેલા 6 ચહેરામાં કોનો સમાવેશ થાય છે એ જોવું રહ્યું. આ ચહેરામાં ઓબીસી 9, અ. જનજાતિના 4, અનુસૂચિત જાતિના 1 અને 21 જનરલ છે.
દક્ષિણ ગુજરાતઃ ડાંગ - કિશોર એમ.ગાવિત, સુરત મહાનગર - પરેશ પટેલ, સુરત જિલ્લો ભરત રાઠોડ, તાપી સૂરજ વસાવા, નવસારી ભુરાલાલ શાહ, વલસાડ હેમંત કંસારા, ભરૂચ પ્રકાશ મોદી, નર્મદા નીલ રાવ
મધ્ય ગુજરાતઃ વડોદરા શહેર ડો. જયપ્રકાશ સોની, છોટાઉદેપુર ઉમેશ રાઠવા, આણંદ સંજય પટેલ, મહિસાગર દશરથ બારિયા, દાહોદ સ્નેહલ ધારિયા.
ઉત્તર ગુજરાતઃ પાટણ રમેશ સિંધવ, મહેસાણા ગિરીશ રાજગોર, અમદાવાદ જિલ્લો શૈલેશ દાવડા, ગાંધીનગર જિલ્લો અનિલ પટેલ, કચ્છ દેવજી વરચંદ, બનાસકાંઠા કીર્તિસિંહ વાઘેલા, સાબરકાંઠા કનુભાઈ પટેલ, અરવલ્લી ભીખાજી ઠાકોર.
સૌરાષ્ટ્રઃ દેવભૂમિ દ્વારકા મયુર ગઢવી, રાજકોટ શહેર ડો. માધવ દવે, રાજકોટ જિલ્લો અલ્પેશ ઢોલરિયા, મોરબી જયંતી રાજકોટિયા, જૂનાગઢ જિલ્લા ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ શહેર ગૌરવ રૂપારેલિયા, ગીર સોમનાથ ડો. સંજય પરમાર, ભાવનગર જિલ્લો દિગ્વિજયસિંહ ગોહિલ, ભાવનગર શહેર કુમાર શાહ, બોટાદ મયૂર પટેલ, સુરેન્દ્રનગર હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમરેલી અતુલ કાનાણી, જામનગર જિલ્લો વિનોદ ભંડેરી, જામનગર શહેર બીનાબહેન કોઠારી.