નવી દિલ્હી: કોંગ્રેસને ફરી એકવાર મણિશંકર ઐયર નામનો ડંખ લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી અને વરિષ્ઠ નેતાના એક ઇન્ટરવ્યૂએ તેમને ફરી વિવાદમાં લાવી દીધા છે અને કોંગ્રેસની હાલત પણ કફોડી કરી નાખી છે. તેમણે પોતાના જ પક્ષના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર ટિપ્પણી કરતાં કહ્યું કે, કોંગ્રેસ જે રાજીવ ગાંધીને દેશમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીના જનક ગણાવી રહી છે તેઓ એટલા ક્વોલિફાઇડ નહોતા. ઐયરે તેમની શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે આશ્ચર્ય થાય છે કે આવી વ્યક્તિને ભારતના વડાપ્રધાન કેવી રીતે બનાવી દેવાયા? ભાજપ નેતા અમિત માલવિયાએ બુધવારે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. ઐયર કહે છે કે રાજીવ ગાંધી કેમ્બ્રિજમાં ફેઈલ થયાં હતાં કે જ્યાં પાસ થવું ખૂબ સરળ માનવામાં આવે છે. તે પછી તેમણે ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં એડમિશન લીધું હતું અને ત્યાં પણ નાપાસ થયા હતા. અમિત માલવિયાએ લખ્યું હતું કે રાજીવ ગાંધી શૈક્ષણિકરૂપે સંઘર્ષ કરી રહ્યા હતા, જેઓ કેમ્બ્રિજ અને ઈમ્પિરિયલ કોલેજથી નિષ્ફળ રહ્યા હતા.

