અમદાવાદઃ કડીના ડિંગુચા જેવી ઘટના ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા સાબરકાંઠા જિલ્લાના પરિવાર સાથે બન્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગેરકાયદે અમેરિકા જવા માટે એજન્ટ સાથે રૂ. 1.50 કરોડ નક્કી કરીને પત્ની અને પુત્રને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામે રહેતા દિલીપ પટેલ ગામમાં થોડી જમીન વેચી, વૃદ્ધ માતાને છોડી અને આંખોમાં સોનેરી સપનાં લઈને નીકળ્યા હતા. જો કે નિકારાગુઆ પહોંચેલાં દંપતી સાથે આંચકારૂપ ઘટના બની હતી. ડાયાબિટીસની દવાના અભાવે દિલીપભાઈની તબિયત લથડતાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પુત્રના મોતને પગલે પરિવારની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. બીજી તરફ પત્ની અને સગીર પુત્ર અધવચ્ચે અટવાયાં છે, જેઓ પરત ફરશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.
નિકારાગુઆમાં પતિનું મોત
2024ના નવેમ્બર-ડિસેમ્બર માસમાં ગામનો યુવક દિલીપ પત્ની અને સગીર પુત્રને લઈને ગેરકાયદે અમેરિકા જવા માટે નીકળ્યો હતો. એજન્ટે પરિવારને રૂ. 1.50 કરોડમાં વાયા નિકારાગુઆના રસ્તે પરિવારને અમેરિકા પહોંચાડવાની બાંહેધરી લીધી હતી. જે મુજબ પરિવાર રસ્તામાં અનેક અડચણો અને તકલીફ વેઠીને એજન્ટના માણસો થકી નિકારાગુઆ પહોંચ્યો હતો. જ્યાં ડાયાબિટીસની દવાના અભાવે દિલીપભાઈની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ માટે હોસ્પિટલમાં 2200 ડોલર ફી ભરાવી હતી. સારવાર દરમિયાન કોમામાં સરી પડેલા દિલીપભાઈનું મોત થયું હતું.
ઘૂસણખોરી કરવાનો હાલનો પ્રચલિત રૂટ
ગેરકાયદે અમેરિકા જવા માટે હાલનો પ્રચલિત રૂટ ઇક્વાડોરથી બોટ મારફતે કોલંબિયા અને પનામા જાય છે. પનામાનાં ખતરનાક જંગલો પાર કર્યા બાદ ગેરકાયદે અમેરિકા જતા લોકો કોસ્ટારિકા પહોંચે, જ્યાંથી તેઓ નિકારાગુઆમાં પ્રવેશે છે. નિકારાગુઆથી હોન્ડુરાસ, ગ્વાટેમાલા અને મેક્સિકો અને ત્યાંથી બોર્ડર પાર કરી અમેરિકા પહોંચાડે છે. કેટલાક એજન્ટો વેનેઝુએલા અને બ્રાઝિલથી મેક્સિકો પહોંચાડે છે. ભારતથી પંજાબ અને હૈદરાબાદના એજન્ટોની બે ચેનલ સક્રિય છે. સાબરકાંઠાનો પરિવાર પંજાબ ચેનલ મારફતે અમેરિકા જવા નીકળ્યો હતો.
ટ્રમ્પની નીતિ બાદ પણ લોકો જવા તત્પર
અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા શરણાર્થીઓને દેશનિકાલ કરવાની નીતિ અપનાવ્યા બાદ પણ લોકો ત્યાં જવા માટે તત્પર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ગેરકાયદે ગયેલા હજારો ઇમિગ્રન્ટ બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસવાની તક શોધી રહ્યા છે.
જમીન વેચી-વૃદ્ધ માતાને એકલી મૂકી
પુત્રનાં મોત, પુત્રવધૂ અને પૌૈત્ર નિકારાગુઆમાં ફસાયા બાદ માતા લક્ષ્મીબહેન એકલાં પડી ગયાં છે. મૃતકની પત્ની અને પુત્ર નિકારાગુઆમાં અટવાયા બાદ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. એજન્ટો પોતાના બચાવ માટે પરિવારને આ મામલે ચુપકીદી સેવવા માટે દબાણ કરી રહ્યા છે.
મોયદ ગામના સરપંચનું શું કહેવું છે?
આ અંગે મોયદના સરપંચ ધનરાજસિંહે જણાવ્યું કે, મોયદના 50 ટકા પટેલ સમાજના લોકો અમેરિકા રહે છે. દિલીપભાઈ પટેલનું અમેરિકામાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

